હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સાબરકાંઠાના ૧૯૫ હજયાત્રીઓ માટે તબીબી તપાસ અને ફિટનેસ પ્રક્રિયાનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લામાંથી આગામી હજયાત્રાએ જનારા ૧૯૫ જેટલા અરજદારો માટે હિંમતનગર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ (સિવિલ) હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારમાં નોંધાયેલા તમામ હજયાત્રીઓ શારીરિક અને માનસિક રીતે યાત્રા માટે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે આ વિશેષ તબીબી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તબીબી તપાસની આ સમગ્ર પ્રક્રિયા બે દિવસ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા હજયાત્રીઓ માટે વિવિધ મહત્વપૂર્ણ આરોગ્ય પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે.
સ્થળ પર હાથ ધરાયેલી તબીબી તપાસો:
-
લોહીના પરીક્ષણો: હિમોગ્લોબીન અને બ્લડ શુગર (મધુપ્રમેહ) ની ચકાસણી.
-
હૃદય અને ફેફસાંની તપાસ: ECG અને ચેસ્ટ એક્સ-રે (Chest X-Ray).
-
અન્ય મહત્વપૂર્ણ તપાસ: સોનોગ્રાફી તેમજ જરૂરી શારીરિક સ્વાસ્થ્ય ચકાસણી.
હજયાત્રા દરમિયાન મુસાફરી અને હવામાનના કારણે શારીરિક શ્રમ વધારે પડતો હોય છે. જેથી યાત્રીઓ સંપૂર્ણપણે તંદુરસ્ત હોય તે અત્યંત જરૂરી હોવાથી સરકારના નિયમોનુસાર આ ફિટનેસ સર્ટિફિકેટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તમામ ૧૯૫ હજયાત્રીઓની જરૂરી તપાસ પૂર્ણ કરી બે દિવસમાં ફિટનેસ સર્ટિફિકેટ એનાયત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.




