હિમતનગર

રખડતા પશુઓનો આતંક: હિંમતનગરવાસીઓને ત્રાસમાંથી કોણ બચાવશે?

મોતીપુરા નેશનલ હાઈવે સહિત શહેરના મુખ્ય માર્ગો પર પશુઓનું અતિક્રમણ, તંત્રની નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં ભારે રોષ

હિંમતનગર શહેરમાં રખડતા અને બિનવારસી પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. નેશનલ હાઈવેથી લઈને શહેરના અંતરિયાળ વિસ્તારોમાં દિવસ અને રાત રખડતા ઢોર અડીંગો જમાવીને બેસે છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા નાગરિકોમાં ઉગ્ર અસંતોષ વ્યાપ્યો છે.

ગરનાળા બન્યા પશુઓનો અડ્ડો

શહેરના મુખ્ય વેપારી અને ટ્રાફિકથી મશગૂલ એવા મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરના બ્રિજ નીચે વાહન વ્યવહાર માટે નાના ગરનાળા બનાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ ગરનાળા રખડતા પશુઓનું કાયમી આશ્રયસ્થાન બની ગયા છે. રસ્તાની વચોવચ પશુઓ બેસી રહેતા હોવાથી વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવે છે.

અકસ્માત અને ગંદકીનું બેવડું જોખમ

અગાઉ પણ આ પશુઓએ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે. આ ઉપરાંત:

  • રોગચાળાની ભીતિ: જાહેર રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવતા હોવાથી મોટા પ્રમાણમાં શેડ અને ગોબરનો ઉપદ્રવ થાય છે. પરિણામે માખી-મચ્છરોનો દ્રવ વધી રહ્યો છે અને સંક્રામક રોગો ફેલાવવાની શક્યતા વધી છે.

  • ટ્રાફિક જામ: મુખ્ય રસ્તાઓ પર પશુઓ સામસામે બાખડતા હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે.

માલિકો સામે કડક કાર્યવાહીની માંગ

શહેરમાં રહેતા કેટલાક પશુપાલકો પોતાના ઢોરને દૂધ દોહ્યા બાદ ખુલ્લા છોડી દે છે. તંત્ર દ્વારા આવા પશુપાલકો સામે કાયદાકીય લાલ આંખ કરવામાં આવતી નથી.

સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા દ્વારા સત્વરે પાંજરાપોળ કે ઢોર ડબ્બે પૂરાવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે અને જવાબદાર પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. કોઈ મોટો અકસ્માત થાય કે નિર્દોષ નાગરિક જીવ ગુમાવે તે પહેલાં તંત્ર ઊંઘમાંથી જાગે તે અત્યંત જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!