હિમતનગર

હિંમતનગરમાં આડેધડ પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસનું ઝુંબેશ: ડઝનબંધ વાહનો ટો કરાયા

હિંમતનગર શહેરમાં જાહેર માર્ગો પર બેફામ રીતે પાર્ક કરવામાં આવતા વાહનો સામે ટ્રાફિક પોલીસે આજે કડક કાર્યવાહી હાથ ધરીને ઝુંબેશ સ્વરૂપે આડેધડ પાર્ક કરાયેલા દ્વિચક્રી વાહનોને ટોઈંગ વાહન મારફતે ઉઠાવી લેવાની કામગીરી શરૂ કરી છે.

શહેરના શ્રી ભદ્રકદેશ્વર મહાદેવ મંદિર પરિસર નજીક તથા અન્ય જાહેર માર્ગો પર નો-પાર્કિંગ ઝોનમાં તથા રસ્તાની બંને બાજુ બેફામ રીતે પાર્ક કરવામાં આવેલા બાઈક, સ્કૂટર જેવા વાહનોના કારણે રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ટ્રાફિક જામની સમસ્યા વારંવાર સર્જાતી હોવાની ફરિયાદો બાદ પોલીસ તંત્રએ કડક પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો.

ટોઈંગ વાહન દ્વારા કાર્યવાહી
“ON DUTY TRAFFIC POLICE” લખેલા વિશેષ ટોઈંગ વાહન (ટાટા ૪૦૭ ગોલ્ડ, મારફતે ટ્રાફિક પોલીસની ટીમે મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાંથી ખોટી રીતે પાર્ક કરાયેલા એક પછી એક દ્વિચક્રી વાહનોને દોરડા વડે બાંધીને ટ્રકમાં ચડાવી ઉઠાવી લીધા હતા. ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહી સમગ્ર કામગીરી પર દેખરેખ રાખી રહ્યા હતા.

નાગરિકોમાં ચર્ચાનો વિષય
અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીના કારણે સ્થળ પર વાહનમાલિકો તથા સ્થાનિક નાગરિકોમાં ભારે ચર્ચા જાગી હતી. ઘણા વાહનચાલકો પોતાના વાહનો પરત મેળવવા પોલીસ સ્ટેશન ધક્કા ખાવા મજબૂર બન્યા હતા. ટોઈંગ કરાયેલા વાહનોને છોડાવવા માટે નિયમ મુજબ દંડ ભરવો પડશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસની અપીલ
ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે વાહનો નિયત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરવામાં આવે અને નો-પાર્કિંગ ઝોન, જાહેર માર્ગો તથા મંદિર-ધાર્મિક સ્થળોના પ્રવેશદ્વાર પાસે વાહનો ઊભા ન રાખવામાં આવે. જો નાગરિકો સ્વયં શિસ્ત નહીં જાળવે તો ભવિષ્યમાં પણ આ પ્રકારની ટોઈંગ કાર્યવાહી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે તેમ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ કાર્યવાહીના પગલે શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાય તેવી અપેક્ષા પોલીસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!