તલોદના રણાસણમાં અનોખી શ્રદ્ધાના દર્શન: માથે ૯ ગરબા અને જ્યોત સાથે અંબાજી જઈ રહેલા માઈભક્તનું ભવ્ય સ્વાગત

ભાદરવી પૂનમના પવિત્ર અવસરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંબાજી ધામ તરફ જતા પદયાત્રીઓ અને માઈભક્તોના સંઘોથી માર્ગો “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી ગુંજી ઊઠ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી અને રાજ્યના વિવિધ ખૂણેથી શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શિશ નમાવવા પગપાળા આગળ વધી રહ્યા છે. આ દરમિયાન તલોદ તાલુકાના રણાસણ ગામે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
ખેડા જિલ્લાના પીપળીયા ગામનો એક યુવાન માથે મા અંબાના નવ ગરબા અને પ્રજ્વલિત અખંડ જ્યોત ધારણ કરીને અંબાજીની કઠિન પદયાત્રા કરી રહ્યો છે. આ માઈભક્ત તાજેતરમાં તલોદ તાલુકાના રણાસણ ગામે આવી પહોંચતા જ સમગ્ર ગામમાં ઉત્સવ ઘેરાઈ ગયો હતો. ગ્રામજનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો એકઠા થઈ ગયા હતા અને માઈભક્તનું હૃદયપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું.
રણાસણ ગામના લોકોએ યુવાનના માથે બિરાજેલા માતાજીના ગરબા અને પવિત્ર જ્યોતનું વિધિવત પૂજન-અર્ચના કરી ભાવપૂર્વક આરતી ઉતારી હતી. આ વેળાએ ગરબાના પૂજન બાદ ભક્તોના હર્ષનાદ અને અંબાજીના જયકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પદયાત્રાના માર્ગ પર ગુંજી ઊઠેલા “જય અંબે”ના નાદથી રણાસણ ગામનો રસ્તો શ્રદ્ધા અને ભક્તિના રંગે રંગાઈ ગયો હતો. માઈભક્તની આ અદ્ભુત સાધના અને શ્રદ્ધા જોઈને ઉપસ્થિત તમામ ગ્રામજનો ભાવવિભોર બની ગયા હતા.





