સાબરકાંઠા

સાબરકાંઠા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર અપાયું: નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

સાબરકાંઠા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટર અને DEO ને આવેદનપત્ર: પડતર પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનની ચીમકી

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ૬૦ ટકાથી વધુ યોગદાન આપતી સ્વનિર્ભર (સ્વ-નિર્ભર/પ્રાઇવેટ) શાળાઓના પડતર પ્રશ્નો અંગે સાબરકાંઠા જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સોમવારે હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, ઇડર, પ્રાંતિજ અને તલોદના સંચાલકોએ એકસૂરે ચીમકી આપી છે કે જો માગણીઓનો ઉકેલ નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંચાલક મંડળના પ્રમુખ રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓમાં ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૭ લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ રોજગારી મેળવે છે. આટલું મોટું યોગદાન હોવા છતાં સંચાલકોના વિવિધ પ્રશ્નો અંગે સરકાર અને શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક નિરાકરણ આવ્યું નથી.

સંચાલક મંડળની મુખ્ય ૪ માગણીઓ:

  1. FRC પ્રક્રિયાનું સરળીકરણ: ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની જટિલ પ્રક્રિયાઓને તાત્કાલિક અસરથી સરળ બનાવવી.

  2. RTE બાકી રકમ ચૂકવણી: હાઇકોર્ટના ચુકાદા અને માર્ગદર્શન મુજબ RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીદીઠ મંજૂર થયેલી યોગ્ય રકમની અમલવારી કરી ચૂકવણી કરવી.

  3. કર્મચારી નિમણૂક/મુક્તિની સ્વતંત્રતા: તાજેતરમાં પસાર કરાયેલા ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક’માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા માટે મંજૂરી લેવાના નિયમનો વિરોધ. સંચાલકોએ સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે મદદ લેતા ન હોવાથી આ સત્તા શાળાઓ પાસે જ રહેવી જોઈએ.

  4. ગવર્નન્સ ડિસ્ટર્બન્સમાંથી મુક્તિ: સંચાલનને સ્પર્શતા વહીવટી અને બિનજરૂરી નિયંત્રણો બંધ કરી સ્વતંત્ર રીતે શાળા સંચાલન કરવા દેવું.

સંચાલકોએ ઉમેર્યું હતું કે મહામંડળ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અમલવારી થઈ નથી. જો સરકાર દ્વારા આ માગણીઓ પ્રત્યે સત્વરે હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો સર્વાનુમતે નક્કી કરાયા મુજબ મંડળ દ્વારા આંદોલનાત્મક પગલાં ભરવાની ફરજ પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!