તલોદ પોલીસે ૧૧ મહિનાથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને પકડી પાડ્યો

સાબરકાંઠા જિલ્લામાં સજા પડેલ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ડ્રાઇવ અંતર્ગત તલોદ પોલીસને એક મોટી સફળતા મળી છે. ૧ વર્ષની સજા અને રૂ. ૧.૫૦ લાખના દંડ બાદ છેલ્લા ૧૧ મહિનાથી નાસતા-ફરતા આરોપીને તલોદ પોલીસે ઝડપી પાડ્યો છે.
ગાંધીનગર રેન્જ આઈજી વિરેંદ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને હિંમતનગર ડીવાયએસપી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ ઈન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને ડી.સ્ટાફની ટીમ સતત વોચમાં હતી.
દરમિયાન, તલોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વિજયકુમાર જયંતીભાઈને બાતમી મળી હતી કે, તલોદ કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ (ચેક બાઉન્સ) મુજબના કેસમાં ૧ વર્ષની સજા અને રૂ. ૧,૫૦,૦૦૦ નો દંડ પામેલ આરોપી કનુસિંહ વિષ્ણુસિંહ સોલંકી (રહે. ડેરીવાળું ફળિયું, જૂનાવાસ દોલતાબાદ, તા. તલોદ) હરસોલ ચોકડી પાસે ઉભો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક હરસોલ ચોકડી પહોંચી તપાસ કરતા કનુસિંહ સોલંકી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હિંમતનગર સબ જેલ ખાતે મોકલી આપ્યો છે.
કામગીરી કરનાર ટીમ:
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર સી.જી. રાઠોડ, પીએસઆઈ બી.એલ. રાયજાદા, એએસઆઈ વિજયકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અનીલસિંહ રજુસિંહ સામેલ રહ્યા હતા.




