ટોચના સમાચાર

સાબરકાંઠા: બીએઝેડ (BZ) પોન્ઝી સ્કીમ કૌભાંડમાં નવો વળાંક; આઈપીએલ ક્રિકેટરો અને તેમના પરિવારો સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ

સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલી બીએઝેડ (BZ) પોન્ઝી સ્કીમ છેતરપિંડી મામલે રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઠગાઈનો આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે આ કૌભાંડનો વ્યાપ ક્રિકેટ જગત સુધી પહોંચ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

આઈપીએલના ખેલાડીઓ અને પરિવારો પણ શિકાર

સૂત્રો અને પ્રાપ્ત વિગતો અનુસાર, કુખ્યાત પોન્ઝી સ્કીમમાં પ્રખ્યાત આઈપીએલ (IPL) ક્રિકેટરો અને તેમના પરિવારો સાથે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. વચેટિયાઓએ ક્રિકેટરોને ઊંચા વળતરની લાલચ આપીને આ ફ્રોડ સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું.

વચેટિયાઓની ભૂમિકા સામે ઊભા થયા સવાલો

આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત ટાઈટન્સના તત્કાલીન મેનેજર ધવલ શાહ દ્વારા વચેટિયા તરીકેની ભૂમિકા ભજવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભારતીય ક્રિકેટર હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવ દ્વારા કરવામાં આવેલા રોકાણ અને તેમાં થયેલી કથિત છેતરપિંડીની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠી છે.

રોકાણકારોના જણાવ્યા અનુસાર, મુખ્ય વચેટિયાઓ તરીકે ધવલ શાહ ઉપરાંત સુનિતા શાહ અને વિરલ શાહની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે. ક્રિકેટરો અને તેમના પરિવારજનોને રોકાણની વાસ્તવિક પરિસ્થિતિ અંગે સંપૂર્ણપણે અંધારામાં રાખીને ફસાવવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

પાકતી મુદતે હાથ ઊંચા કરી દીધા

રોકાણની મુદત પૂરી થવા છતાં કે નાણાં પરત મેળવવાનો સમય આવતાં જ પોન્ઝી સ્કીમના સંચાલકો અને વચેટિયાઓએ સ્પષ્ટપણે હાથ ઊંચા કરી દીધા હતા, જેને કારણે રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈકોર્ટમાં અરજી દાખલ; કડક કાર્યવાહીની માંગ

ક્રિકેટરો અને અન્ય રોકાણકારો સાથે આચરવામાં આવેલી આ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટનાને લઈને હવે ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટ સમક્ષ આ મામલે યોગ્ય તપાસ કરી તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પોન્ઝી સ્કીમ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા હાલ જામીન પર બહાર છે, ત્યારે આ નવા ખુલાસા બાદ કૌભાંડની તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!