હિંમતનગરના કાંકણોલ સ્થિત કળશ પાર્ટી પ્લોટમાં ‘રંગતાળી 2026’માં ખેલૈયાઓની રમઝટ

નવરાત્રિના બીજા નોરતે પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા; શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં મા અંબાની મહાઆરતી યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નજીક આવેલા કાંકણોલ સ્થિત કળશ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે ‘રંગતાળી 2026’ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિના બીજા દિવસે આયોજન સ્થળે ખેલૈયાઓ અને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
નવરાત્રિના બીજા નોરતે શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંબાજી માતાજીની ભાવપૂર્વક આરતી ઉતારીને ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી અને મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મહાઆરતી બાદ મ્યુઝિક સિસ્ટમ અને ગાયકોના તાલબદ્ધ સૂર સાથે જ ગરબાની રમઝટ શરૂ થઈ હતી.
આ પ્રસંગે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેલૈયાઓ રંગબેરંગી ચણિયાચોળી, કેડિયા અને પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને આવ્યા હતા. ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની ભક્તિ અને આરાધના કરી હતી. સંગીતના મધુર તાલ, રંગબેરંગી પોશાકો અને ઉત્સાહપૂર્વક રમાતા ગરબાના કારણે સમગ્ર કળશ પાર્ટી પ્લોટનું ગ્રાઉન્ડ ગરબાના ભવ્ય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
ચુસ્ત સુરક્ષા અને સુંદર વ્યવસ્થા
આયોજકો દ્વારા આયોજિત ‘રંગતાળી 2026’માં પધારેલા ખેલૈયાઓ તેમજ નગરજનોની સુરક્ષા અને સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સલામતીના પૂરતા બંદોબસ્ત અને સુચારુ આયોજનના કારણે ખેલૈયાઓએ કોઈ પણ જાતની અગવડ વગર રાસ-ગરબાની ભરપૂર મજા માણી હતી. આ રીતે નવરાત્રિના બીજા નોરતે કાંકણોલ ખાતે ભક્તિ, સંસ્કૃતિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.




