હિંમતનગરમાં પર પરી મોબાઇલ દુકાનમાંથી ૨૪ સ્માર્ટફોનની ચોરીનો ભેદ ઉકેલાયો: હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ₹૭.૧૪ લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની કરી અટકાયત

હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલી ‘પરી મોબાઇલ’ નામની દુકાનનું શટર તોડીને કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ગુનો હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. ૭,૧૪,૯૦૦ની કિંમતના ૨૪ જેટલા કિંમતી મોબાઈલ ફોન સાથે મુખ્ય બે આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને ઝડપી પાડ્યા છે.
ઘટનાની વિગત:
મળતી માહિતી મુજબ, હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલ પરી મોબાઈલ દુકાનમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી. દુકાનનું શટર તોડીને તસ્કરો ૨૪ જેટલા મોંઘા સ્માર્ટફોન ચોરી ગયા હતા, જે અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
CCTV અને ‘વિશ્વાસ પ્રોજેક્ટ’થી તસ્કરો ટ્રેક થયા:
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ હિંમતનગર બી-ડિવિઝન પોલીસની ટીમે તપાસ ધરી હતી.
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. જોષી, સર્વેલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ પીએસઆઈ કે.સી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરા ચકાસ્યા હતા. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા કમાન્ડ કંટ્રોલ ખાતે ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત લગાવેલા CCTV કેમેરાની ચકાસણી કરતા એક એકસેસ અને એક એક્ટિવા બાઈક પર ચાર શંકાસ્પદ સવારોના સગડ મળ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
પોલીસ ટીમે બાતમી અને સીસીટીવી ફુટેજના આધારે નીચે મુજબના આરોપીઓની અટકાયત કરી છે: ૧. હાર્દિકસિંહ કુમેન્દ્રસિંહ ભાટી (રહે. શ્રીનગર સોસાયટી, બેરણા રોડ, હિંમતનગર; મૂળ રહે. ધરોદ, તા. વડાલી, જી. સાબરકાંઠા) ૨. કુશાલસિંહ ઉર્ફે અજયસિંહ કમલસિંહ ભદોરીયા (રહે. ઇન્દ્રનગર, મહાવીરનગર, હિંમતનગર; મૂળ રહે. કુટ્ટોલી, તા. ગોરમી, જી. ભીંડ, મધ્યપ્રદેશ) ૩. કાયદાના સંઘર્ષમાં આવેલા ૨ કિશોરો
કબ્જે કરાયેલો મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ બ્રાન્ડના ૨૪ કિંમતી મોબાઈલ ફોન (જેમાં ૧૫થી વધુ iPhone, Samsung Fold/Flip, OnePlus, Oppo, Realme અને Motorola સામેલ છે) કબ્જે કર્યા છે, જેની કુલ કિંમત ₹૭,૧૪,૯૦૦/- થાય છે.
સરાહનીય કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરી ઇન્ચાર્જ PI એ.વી. જોષી, PSI કે.સી. બ્રહ્મભટ્ટ, સર્વેલન્સ ટીમ તથા કમાન્ડ કંટ્રોલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.




