સાબરકાંઠા એલ.સી.બી.ની મોટી સફળતા: હિંમતનગર સાયબર ક્રાઇમ કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતો આરોપી અમદાવાદથી ઝડપાયો

સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા તથા પેરોલ ફર્લો ફરારી આરોપીઓને પકડવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) સાબરકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા અને તેમની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુનાની વિગત:
હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને આઈ.ટી. એક્ટના ગુના (બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૨) તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬-ડી) અંતર્ગત છેલ્લા એક વર્ષથી પકડવાનો બાકી અને નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે.
બાતમીના આધારે સફળ દરોડો:
એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી મોનુ ઉર્ફે પરવેઝ એયુબભાઇ નુરમોહમદ શેખ (રહે. ઘર નંબર ૦૬, વલ્લી વોરાની ચાલી, નુતન ભારતી વિદ્યાલય પાસે, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સામે, બાપુનગર, અમદાવાદ) પ્રાઇવેટ વાહનમાં બેસીને હિંમતનગર તરફ આવનાર છે.
આ બાતમીના આધારે મોતીપુરા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળો ઇસમ ખાનગી ઇકો કારમાંથી નીચે ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાની ઓળખ ઉપરોક્ત મુજબ આપી હતી અને વેરીફિકેશન કરતાં તે સાયબર ક્રાઇમ ગુનાનો વોન્ટેડ આરોપી હોવાનું સ્પષ્ટ થયું હતું.
આરોપીની સોંપણી:
પોલીસે આરોપીની ધરપકડ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પો.ઇન્સ. ડી.સી. સાકરીયા, પો.સબ.ઇન્સ. વી.આર. ચૌહાણ તથા સ્ટાફના અ.હે.કો. જશુભાઇ બાબુભાઇ, અ.પો.કો. ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ, રાકેશસિંહ જસવંતસિંહ અને કિર્તિરાજસિંહ કિરીટસિંહ જોડાયા હતા.




