હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ
પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર એ.ડીવીઝન પોલીસે બાતમીને આધારે ગુરૂવારે હાજીપુર પાસેથી એક કારમાં ગમ પટ્ટી ચોંટાડેલા બોક્ષમાંથી રૂા. ૩.૧૯ લાખની કિંમતની ૧૪૮૮ બોટલ સાથે એક જણાને ઝડપી લીધો હતો. ત્યારબાદ પકડાયેલાની પુછપરછ કરતાં દારૂની ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય પાંચ સહિત છ જણા વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે એ.ડીવીઝનના પી.આઈ પી.એમ ચૌધરીના જણાવાયા મુજબ પી.એસ.આઈ એન.બી.વાઘેલા તથા તેમના સ્ટાફ એએસઆઈ સલીમભાઈ, જયરાજસિંહ અને હરપાલસિંહ ગુરૂવારે સવારના સુમારે પેટ્રોલીંગમાં હતો ત્યારે હરપાલસિંહને એવી બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી ખેરવાડા થઈ હિંમતનગર આવી અમદાવાદ તરફ એક કાર પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો લઈ જઈ રહી છે. જે આધારે એ. ડીવીઝન પોલીસે હાજીપુર પાસે નાકાબંધી કરી આવી રહેલ કાર નં. આરજે૧૪યુસી ૬૦૪૮ શંકાસ્પદ જણાતા તેને અટકાવી કારમાં તપાસ કરાતા તેમાંથી ગમપટ્ટી લગાડેલ વિવિધ બોક્સમાંથી ૪ર પેટીમાં ભરેલ રૂા. ૩.૧૯ લાખની કિંમતની ૧૪૮૮ બોટલો મળી આવી હતી.ત્યારબાદ પોલીસે કારમાં જઈ રહેલા વિકાસકુમાર યાદરામ કિસમીયા(રહે. મોરલીપુરા, જયપુર)ની અટકાયત કરી એ.ડીવીઝન પોલીસે કાર મોબાઈલ અને દારૂનો જથ્થો મળી અંદાજે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લીધા બાદ પકડાયેલાની પુછપરછ કર્યા બાદ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ફોજીરામ(રહે. પાલી), મહિન્દર (રહે. પાલી), મહિપાલસિંહ(રહે. પાલી), રણજીત(રહે. વિજયનગર, સાબરકાંઠા) અને દારૂ ભરી આપનાર તથા લેનાર સહિત છ જણા વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.




