કિશોરીઓના ગૌરવ અને શિક્ષણ માટે ઐતિહાસિક નિર્ણય

શીતલ ઠાકર,ગાંધીનગર
માસિક ધર્મ આરોગ્ય કિશોરીઓના ગૌરવ, આરોગ્ય અને શિક્ષણ સાથે સીધો સંબંધ ધરાવે છે અને તે બંધારણમાં આપેલા જીવનના અધિકારનો અભિન્ન ભાગ છે એમ સ્પષ્ટ કરતાં સુપ્રીમ કોર્ટે દેશની તમામ શાળાઓમાં વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડ આપવાનું ફરજિયાત બનાવ્યું છે. કોર્ટએ જણાવ્યું છે કે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા માટે જરૂરી સાધનોનો અભાવ કિશોરીઓના આરોગ્યને નુકસાન પહોંચાડે છે તેમજ તેમના શિક્ષણમાં અવરોધ ઊભો કરે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ જોગવાઈ માત્ર સરકારી શાળાઓ સુધી મર્યાદિત નહીં રહે પરંતુ ખાનગી શાળાઓ પર પણ સમાન રીતે લાગુ પડશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ શાળા આ વ્યવસ્થાથી બચી શકશે નહીં.
કોર્ટના અવલોકન મુજબ માસિક ધર્મ દરમિયાન જરૂરી સ્વચ્છતા સામગ્રી ન મળવાના કારણે અનેક કિશોરીઓ શાળાએ જવાનું ટાળે છે, જેના પરિણામે તેમની શૈક્ષણિક પ્રગતિ અટકી જાય છે. આ પરિસ્થિતિ માત્ર સામાજિક સમસ્યા નહીં પરંતુ જાહેર આરોગ્ય અને લિંગ સમાનતાનો ગંભીર પ્રશ્ન છે. તેથી દરેક શાળામાં કિશોરીઓને ગોપનીયતા સાથે મફત સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવું અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટે આ પણ નોંધ્યું છે કે માસિક ધર્મ વિષયક અંધવિશ્વાસ અને સંકોચના કારણે કિશોરીઓ માનસિક દબાણ અનુભવે છે. આ સ્થિતિ દૂર કરવા માટે શાળાઓમાં જાગૃતિ અને સ્વચ્છતા સંબંધિત યોગ્ય વાતાવરણ હોવું જરૂરી છે. શાળાઓમાં સ્વચ્છ શૌચાલય, પૂરતું પાણી અને સલામત નિકાલ વ્યવસ્થા ઉપલબ્ધ હોવી ફરજિયાત હોવાનું પણ કોર્ટએ જણાવ્યું છે.
આ નિર્ણયને મહિલાઓના અધિકાર અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે. આ આદેશથી કિશોરીઓની શાળામાં હાજરીમાં વધારો થશે, શિક્ષણમાં સમાનતા આવશે અને માસિક ધર્મ અંગે સમાજમાં રહેલો કલંક દૂર થવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાશે.




