અસારવા-ઉદેપુર વચ્ચે ૧૮ ફેબ્રુઆરીથી વંદે ભારત ટ્રેન શરૂ થશે.
રેલ્વેતંત્ર દ્વારા સમયપત્રક જાહેર કરાયું, અસારવા-ચિત્તોડગઢ ટ્રેનનો સમય બદલાશે

જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્રના રેલ્વે મંત્રાલય દ્વારા સાબરકાંઠા-અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રેલ્વેના નેટવર્કમાં છેલ્લા કેટલાક સમયથી વધારો કરાઈ રહ્યો છે ત્યારે રેલ્વેતંત્ર દ્વારા આગામી તા. ૧૮ ફેબ્રુઆરીથી વંદે ભારત તરીકે ઓળખાતી આધુનિક ટ્રેન અમદાવાના અસારવાથી વાયા હિંમતનગર થઈ ઉદેપુર વચ્ચે દોડતી થઈ જશે. જેના માટે રેલ્વેતંત્રએ સમયપત્રક અને ઉદ્ઘાટનની વિગતો સોશ્યલ મિડીયામાં વહેતી કરી દીધી છે.
આ અંગે રેલ્વે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી તા. ૧૮ ફેબ્રુઆરી ર૦ર૬ થી શરૂ થનારી છે વંદે ભારત ટ્રેન નિયમીત દોડશે. તે અગાઉ તા. ૧૬ ફેબ્રુઆરીએ ટ્રાયલરૂપે આ ટ્રેન ઉદેપુરથી વાયા હિંમતનગર થઈ અસારવા જશે. દરમ્યાન ૧૬ ફેબ્રુઆરીના રોજ આ નિમિત્તે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. નવી શરૂ થનારી વંદે ભારત ટ્રેનને લીધે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાંથી ઉદેપુર તરફ જવા માંગતા મુસાફરોનો સમય બચશે.
ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા પર સમયપત્રક સાથે આ ટ્રેન કયા સ્ટેશનને ઉભી રહેશે તેની વિગતો પણ જાહેર કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ટ્રાયલ રૂપે દોડનારી ટ્રેન ઉદયપુરથી બપોરે ૧૨ઃ૨૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે ૫ઃ૧૫ વાગ્યે અસારવા પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશન પર આ ટ્રેન બપોરે ૩ઃ૫૦ વાગ્યે આવશે અને ૩ઃ૫૨ વાગ્યે આગળ રવાના થશે.ટ્રેન નંબર ૨૬૯૬૩ અને ૨૬૯૬૪, ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા ૧૮ ફેબ્રુઆરી, બુધવારથી શરૂ થશે.
આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહના છ દિવસ ચાલશે. તે ઉદયપુર સિટીથી જાવર, ડુંગરપુર, હિંમતનગર થઈને અસારવા પહોંચશે. ઉદયપુરથી અસારવા જવા સવારે ૬ઃ૧૦ વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે ૧૦ઃ૨૫ વાગ્યે અસારવા પહોંચશે. આ રૂટ પર હિંમતનગર સ્ટેશન પર ટ્રેન સવારે ૯ઃ૦૫ વાગ્યે આવશે અને ૯ઃ૦૭ વાગ્યે ઉપડશે. તેજ પ્રમાણે આ વંદેભારત ટ્રેન અસારવાથી ઉદયપુર જવા સાંજે ૫ઃ૪૫ વાગ્યે અસારવાથી ઉપડશે અને રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન સાંજે ૬ઃ૫૩ વાગ્યે હિંમતનગર પહોંચશે અને ૬ઃ૫૫ વાગ્યે ઉદયપુર જવા રવાના થશે. આ ટ્રેનમાં ૮ કોચ હશે, જેમાં ૭ એસી કોચ અને ૧ એક્ઝિક્યુટિવ એસી કોચનો સમાવેશ થાય છે.




