મેઢાસણના રહીશે સાબરકાંઠા બેંકમાંથી રૂ.૧.૧૭ લાખથી વધુની લોન ભરપાઈ ન કરી ચેક રીટર્ન કેસમાં મેઢાસણના બે બાકીદારને એક વર્ષની કેદ

અરવલ્લી જિલ્લાના મેઢાસણ ગામના બે રહીશોએ ૧૧ વર્ષ અગાઉ સાબરકાંઠા બેંકની શાખામાંથી અંદાજે રૂ.૧,૧૭,૭૯૯ની લોન લીધા બાદ સમયમર્યાદામાં લોનની રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી જેથી બેંકના સત્તાવાળાઓએ લોન આપતાં અગાઉ લીધેલા ચેક બેંકમાં ભરતાં રીટર્ન થયા હતા. ત્યારબાદ મેઢાસણના આ બાકીદાર વિરૂધ્ધ હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરાયો હતો. જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધિશે મેઢાસણના આ બંને રહીશને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને લીધેલ રકમ વળતર પેટે બેંકને ચુકવી આપવાનો આદેશ કર્યો હતો.
આ અંગે બેંકના વકીલ તથા સેલ્સ ઓફિસરના જણાવાયા મુજબ મેઢાસણ ગામે રહેતા અનવરહુસેન યાકુબભાઈ મનસુરી તથા જાકીરહુસેન યાકુબભાઈ મનસુરીએ ગત તા.૬-૪-ર૦૧પના રોજ મેઢાસણની સાબરકાંઠા બેંકની શાખામાંથી લોન લીધી હતી જોકે તત્કાલિન સમયે બેંકના સત્તાવાળાઓ દ્વારા આ બંને પાસેથી બેંકના ચેક લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં લોનની રકમ ચુકવી ન આપતાં બેંકના અધિકારીઓએ વારંવાર જાણ કરીને લોન ભરપાઈ કરવા માટે તાકીદ કરી હતી પરંતુ આ બંને જણાએ લોન ભરવામાં બેકાળજી દાખવી હતી જેથી સાબરકાંઠા બેંકના સત્તાવાળાઓએ તેમની પાસેથી અગાઉ લેવામાં આવેલ ચેક બેંકમાં ભર્યા હતા. પરંતુ અપુરતા બેલેન્સને લઈને રીટર્ન થયા હતા.
ત્યારબાદ સાબરકાંઠા બેંકના સત્તાવાળાઓએ હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કર્યો હતો જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધિશ પ્રિયમ બોહરા સમક્ષ બેંકના એડવોકેટ પ્રશાંત શાહની દલીલો અને રજુ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી અનવરહુસેન મનસુરી તથા જાકીરહુસેન મનસુરીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રૂ.૧.૧૭ લાખથી વધુની રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.




