Uncategorizedસાબરકાંઠા

સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

ભારે વરસાદની આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લા તંત્ર એલર્ટ, પ્રભારી સચિવે પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા

સાબરકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના પ્રભારી સચિવ તથા ગાંધીનગરના કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને મિશન ડાયરેક્ટર (નેશનલ હેલ્થ મિશન) ડૉ. રતનકંવર ગઢવી ચારણની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા તંત્રની સજ્જતા અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

બેઠક દરમિયાન પ્રભારી સચિવે જિલ્લામાં અત્યાર સુધીના વરસાદની સ્થિતિ, સરેરાશ વરસાદના આંકડા તેમજ માનવ અને પશુ મૃત્યુ અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગની કામગીરીની સમીક્ષા કરી જિલ્લાના રસ્તાઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

રસ્તા પર ઝાડ અથવા વીજળીના થાંભલા પડી જવાના બનાવોમાં વાહનવ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે તાત્કાલિક કામગીરી કરવા તેમજ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ વિલંબ વિના ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રભારી સચિવે શાળા-કોલેજોની સલામતીની સમીક્ષા કરી આરોગ્ય વિભાગને ચાંદીપુરા વાયરસ સામે આગોતરા આયોજન સાથે સજ્જ રહેવા સૂચના આપી હતી. ઉપરાંત ચોમાસામાં ફેલાતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને સારવાર માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સતર્ક રહી કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!