નાંદોલ : ખારી નદી કિનારે વસેલું આધ્યાત્મિક વારસાનું જીવંત ધામ

શીતલ ઠાકર,ગાંધીનગર
દેહગામ તાલુકાના નાંદોલ ગામે ખારી નદીના પવિત્ર કિનારે વસેલું એક પ્રાચીન અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતું ગામ છે. ઇતિહાસ, ધર્મ, બ્રાહ્મણ સંસ્કૃતિ અને સંતપરંપરાનો અનોખો સમન્વય ધરાવતું નાંદોલ ગામ સ્થાનિક સ્તરે “મિની કાશી” તરીકે ઓળખાય છે.ખારી નદીના કિનારે પ્રાચીન સમયથી તપસ્યા, યજ્ઞ અને સંસ્કાર થવાની પરંપરા રહી છે. ઇતિહાસ અને લોકપરંપરા મુજબ અંદાજે ઇસવીસન 900થી1200ના સમયગાળામાં નાંદોલમાં સ્થિર વસાહત વિકસેલી હતી. નદીકિનારા, શિવસ્થાન અને બ્રાહ્મણ વસાહતના કારણે નાંદોલ શરૂઆતથી જ ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસ્યું હતું.નાંદોલ ગામનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર રણમુક્તેશ્વર મહાદેવ મંદિર છે. ખારી નદીના કિનારે આવેલું આ શિવલિંગ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે. લોકવિશ્વાસ મુજબ અહીં પૂજા-અર્ચન કરવાથી દુઃખ, રોગ અને જીવનના બંધનોમાંથી મુક્તિ મળે છે. ગામનો વિકાસ આ મંદિરની આસપાસ જ થયો હોવાનું સ્થાનિક ઇતિહાસ કહે છે.રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ વિસ્તાર ઋષિકુટિર તરીકે ઓળખાય છે. પ્રાચીનકાળથી અહીં ઋષિ-મુનિઓ દ્વારા સાધના, ધ્યાન અને યજ્ઞ થતા આવ્યા છે. આ તપોભૂમિએ નાંદોલને વિશિષ્ટ ધાર્મિક ઓળખ આપી છે.નાંદોલના સંત ઇતિહાસમાં દુર્ગાશંકર મહારાજનું વિશેષ સ્થાન છે. દુર્ગાશંકર મહારાજનો જન્મ નાંદોલ ગામના ઠાકર કુટુંબમાં શામળદાસના ઘેર થયો હતો. તેમના ભાઈ નાથાલાલ હતા. બાળપણથી જ વૈરાગ્ય ધરાવતા દુર્ગાશંકર મહારાજે નાની ઉંમરે સંસાર ત્યાગ કર્યો હતો.સંસાર ત્યાગ બાદ દુર્ગાશંકર મહારાજે નર્મદા નદીના કિનારે કુબેર ભંડારી ખાતે આશ્રમ સ્થાપ્યો હતો. અહીં તેમણે લાંબા સમય સુધી કઠોર તપસ્યા, મૌનવ્રત અને યોગાભ્યાસ કર્યો. નર્મદા પરંપરાના તપસ્વી સંત તરીકે તેમની ખ્યાતિ દૂરદૂર સુધી ફેલાઈ હતી અને અનેક ભક્તો તેમને ગુરુરૂપે માનતા હતા.જીવનના અંતિમ વર્ષોમાં દુર્ગાશંકર મહારાજ પોતાના મૂળ ગામ નાંદોલ પરત આવ્યા હતા. રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલી ઋષિકુટિરમાં તેમણે અંતિમ સાધના કરી હતી. લોકઇતિહાસ મુજબ આશરે 150થી200 વર્ષ પહેલાં તેમણે મૃત્યુ પૂર્વે જીવંત જળસમાધિ લીધી હતી, જે તેમને ઉચ્ચ કક્ષાના તપસ્વી સંત તરીકે ઓળખ આપે છે.સ્થાનિક માન્યતા મુજબ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરના એક વખતના મહત્વપૂર્ણ જીર્ણોધારમાં પણ દુર્ગાશંકર મહારાજનો સીધો ફાળો રહ્યો હતો. આજે પણ અનેક ભક્તો તેમના ફોટો રાખીને સંતરૂપે પૂજા કરે છે અને તેમને તપસ્વી, ગુરુ તથા સિદ્ધ પુરુષ તરીકે માને છે.ખારી નદી, રણમુક્તેશ્વર મહાદેવ, ઋષિકુટિર અને દુર્ગાશંકર મહારાજ જેવી સંતપરંપરાના કારણે નાંદોલ ગામ માત્ર એક વસાહત નહીં પરંતુ ઉત્તર ગુજરાતની એક જીવંત આધ્યાત્મિક ધરોહર બની રહ્યું છે. આ ઇતિહાસ અને સંતપરંપરાનું સંરક્ષણ આવનારી પેઢી માટે અત્યંત જરૂરી બની ગયું છે.




