મા શૈલપુત્રી સાથે ચૈત્ર નવરાત્રીનું પહેલું નોરતું: મંત્ર જાપથી મળે આધ્યાત્મિક શક્તિ અને શાંતિ

શીતલ ઠાકર,ગાંધીનગર
ચૈત્ર નવરાત્રીના પાવન પ્રારંભ સાથે આજે પહેલું નોરતું ભક્તિભાવથી ઉજવાઈ રહ્યું છે. નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની આરાધનાથી શક્તિ ઉપાસનાનો આરંભ થાય છે, જે જીવનમાં નવી ઊર્જા, સ્થિરતા અને સકારાત્મકતા લાવવાનો શુભ અવસર છે.
આ દિવસે મા શૈલપુત્રીના મંત્રનો જાપ કરવાનું વિશેષ મહત્વ છે. “ૐ દેવી શૈલપુત્ર્યૈ નમઃ” મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવાથી મન એકાગ્ર બને છે અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ, આ મંત્ર ભક્તના મનમાંથી ભય, ચિંતા અને નકારાત્મક વિચારો દૂર કરીને આત્મવિશ્વાસ અને ધૈર્ય વધારવામાં સહાયક બને છે.
મા શૈલપુત્રી પર્વત રાજ હિમાલયની પુત્રી છે અને તેઓ અડગ વિશ્વાસ તથા શક્તિનું પ્રતિક છે. આ દિવસે તેમની ઉપાસના અને મંત્ર જાપ કરવાથી ભક્તોને જીવનમાં સ્થિરતા, સફળતા તરફ આગળ વધવાની પ્રેરણા અને સંકલ્પ શક્તિ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે માતાજીની કૃપાથી જીવનના કઠિન સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ સરળ બને છે.
સવારે ભક્તો સ્નાન કરીને ઘરે તેમજ મંદિરોમાં ઘટસ્થાપના કરી દેવીશક્તિની પૂજા કરે છે. કલશ સ્થાપન અને જવાર/ઘઉં વાવવાની વિધિ જીવનમાં વૃદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. મંદિરોમાં આરતી, ભજન અને દેવી સ્તુતિથી ભક્તિમય માહોલ સર્જાયો છે.
આધ્યાત્મિક રીતે આ દિવસ ખાસ મહત્વનો છે કારણ કે આ દિવસે કરાયેલ મંત્ર જાપ ભક્તને આંતરિક શક્તિ, માનસિક શાંતિ અને સકારાત્મક દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. નિયમિત જાપ કરવાથી ધ્યાનમાં એકાગ્રતા વધે છે અને મનમાં સ્થિરતા આવે છે.
ગુજરાતભરમાં આજે શક્તિ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માતાજીના જયઘોષ અને આરતી સાથે નવરાત્રીના આ પવિત્ર ઉત્સવનો પ્રારંભ ઉત્સાહભેર કરવામાં આવ્યો છે.
નવરાત્રીના પ્રથમ દિવસે કરાયેલ ભક્તિ અને મંત્ર જાપ ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને શક્તિ લાવે છે તેવી શ્રદ્ધા છે. મા શૈલપુત્રી સર્વે ભક્તોને આશીર્વાદ આપે અને જીવનમાં સફળતા તરફ દોરી જાય તેવી પ્રાર્થના.



