ઇડર નજીક બડોલીમાં રકમની લેતીદેતીના મુદ્દે મારામારી ઘટના

શીતલ ઠાકર,ગાંધીનગર
ચૈત્ર નવરાત્રી દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. નાની રકમની લેતીદેતીના મુદ્દે શરૂ થયેલો વિવાદ બનતા મારામારી અને તોડફોડની ઘટના બની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
ઘટનામાં કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી રહી છે, જ્યારે એક મહિલાને ઇજા પહોંચતા તેને પ્રથમ ઇડર ખાતે સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવી છે.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. મામલો ઇડર પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને પોલીસ દ્વારા બંને પક્ષોની વાત સાંભળી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને લઈ સ્થાનિકોમાં તણાવનો માહોલ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ પણ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




