પૂનમની પદયાત્રા દરમિયાન અકસ્માતો અટકાવવા ઈડર પોલીસની સરાહનીય પહેલ
પદયાત્રીઓની પીઠ પર રિફ્લેક્ટર સ્ટીકર લગાવી સલામત પદયાત્રાનો સંદેશ આપ્યો

ભાદરવી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે અંબાજી તરફ ધામધૂમથી પદયાત્રા કરી રહેલા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈડર પોલીસે એક વિશિષ્ટ સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. રાત્રિના સમયે માર્ગો પર પદયાત્રીઓની સલામતી જળવાઈ રહે અને વાહનચાલકોને દૂરથી જ પદયાત્રીઓ સ્પષ્ટપણે દેખાઈ આવે તે માટે પોલીસે પદયાત્રીઓની પીઠ પર રિફ્લેક્ટર સ્ટીકર લગાવવાની સરાહનીય કામગીરી કરી છે.
અંગેની વિગત અનુસાર, ઈડર ડિવિઝનના પોલીસ અધિકારી સ્મિત ગોહિલ તથા સ્થાનિક પીઆઈ આર. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા આ સુરક્ષા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ભિલોડા ત્રણ રસ્તા વિસ્તારમાં પોલીસ ટીમે અંબાજી તરફ જતા શ્રદ્ધાળુઓને રોકી તેમની પીઠ પર રિફ્લેક્ટર સ્ટીકર લગાવી આપ્યા હતા.
અકસ્માત નિવારણમાં રિફ્લેક્ટર સ્ટીકર બનશે મદદરૂપ
ભાદરવી પૂનમ દરમિયાન દિવસ-રાત મોટી સંખ્યામાં પદયાત્રીઓ હાઈવે અને મુખ્ય માર્ગો પરથી પસાર થતા હોય છે. રાત્રિના સમયે ગાઢ અંધકારને કારણે વાહનચાલકોને પદયાત્રીઓ સમયસર ન દેખાતા અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી જાય છે. આવા સમયે પીઠ પર લગાવવામાં આવેલા રિફ્લેક્ટર સ્ટીકર પર વાહનની લાઈટ પડતાં જ તે ચમકી ઉઠે છે, જેથી વાહનચાલકને દૂરથી જ પદયાત્રી હોવાની જાણ થઈ જાય છે.
પોલીસે આપી સલામતીની માર્ગદર્શિકા
રિફ્લેક્ટર સ્ટીકર ચોંટાડવા ઉપરાંત, પોલીસ કર્મચારીઓએ પદયાત્રીઓને રસ્તાની એક જ બાજુ સુરક્ષિત રીતે ચાલવા, રાત્રિ દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અને વાહનવ્યવહાર વચ્ચે સુરક્ષિત અંતર જાળવી આગળ વધવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
ઈડર પોલીસની આ જાગરૂકતા અને સુરક્ષાત્મક કામગીરીથી પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ અને સુરક્ષાની લાગણી જોવા મળી છે. મા અંબાના ભક્તોની સલામતી માટે પોલીસે શરૂ કરેલી આ પહેલ અકસ્માતો અટકાવવાની દિશામાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને આવકારદાયક સાબિત થઈ રહી છે.




