ઇડર

મણિયોરમાં ગૌચરની જમીનમાંથી બેફામ માટી ખનન: સરપંચે ઈડર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી

ગ્રામસભાનો કથિત વીડિયો વાયરલ: નાણાકીય વ્યવહારોની ચર્ચાએ જોર પકડ્યું

તાલુકા પંચાયતે ગ્રામ પંચાયતને દસ દિવસમાં કાર્યવાહી કરવા નોટિસ ફટકારી

ઈડર તાલુકાના મણિયોર ગામની સીમમાં આવેલી સરકારી ગૌચરની જમીનમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા તત્વો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ અંગે મણિયોર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખનન માફિયાઓ સામે ભારે ચર્ચા જાગી છે.

રાત્રિના અંધારામાં જેસીબી અને ટ્રેક્ટરોથી ખનન

મળતી વિગતો અનુસાર, ૨૯ સપ્ટેમ્બરના રોજ ઈડર પોલીસ મથકે કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મણિયોર ગામની સીમમાં આવેલ સર્વે નં. ૧૭૫વાળી ગૌચરની જમીનની જાળવણી અને દેખરેખની પ્રાથમિક જવાબદારી ગ્રામ પંચાયતની છે. આમ છતાં, પંચાયતની જાણ બહાર અથવા અંધારાનો લાભ લઈને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા રાત્રિના સમયે મોટા પ્રમાણમાં જેસીબી અને ટ્રેક્ટરોની મદદથી માટીનું ખનન કરી તેને બારોબાર ઉપાડી જવામાં આવતું હતું.

આ બાબત ધ્યાને આવતા ઈડર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ પર જઈને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન ગૌચરની જમીનમાં મોટા પાયે ખોદકામ અને માટી ખનન થયું હોવાની પુષ્ટિ થઈ હતી. જેને પગલે તાલુકા પંચાયત તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને આ મામલે તાત્કાલિક દસ દિવસની અંદર જરૂરી કાર્યવાહી કરવા નોટિસ પાઠવવામાં આવી છે.

ભૂસ્તર વિભાગના દરોડામાં વાહનો જપ્ત

ગૌચર ખનનનો મામલો માત્ર સ્થાનિક કક્ષાએ જ નહીં પરંતુ ગાંધીનગર સુધી પહોંચ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા દિવસો અગાઉ જ ગાંધીનગર ભૂસ્તર વિભાગ (મધ્યસ્થ ટુકડી)ની ટીમ દ્વારા મણિયોરની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા ત્રણ ડમ્પર અને એક હિટાચી મશીન સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગે આ વાહનો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે હિંમતનગર ભૂસ્તર વિભાગને રિપોર્ટ સોંપ્યો હતો.

ગ્રામસભાનો વીડિયો વાયરલ: નાણાકીય લેવડ-દેવડ પર સવાલો

આ સમગ્ર વિવાદની વચ્ચે મણિયોર ગ્રામસભાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલાએ નવો વળાંક લીધો છે. વાયરલ વીડિયોમાં માટી ખનન કરવા માટે મોટી રકમની નાણાકીય લેવડ-દેવડ થઈ હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. જોકે, વીડિયોમાં કેટલા રૂપિયાનો વ્યવહાર થયો કે તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની કોઈ સ્પષ્ટતા થતી નથી.

તટસ્થ તપાસની માંગ

સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે: ૧. કયા કોન્ટ્રાક્ટર પાસેથી આ નાણાં લેવામાં આવ્યા હતા અને તે રકમ કોની પાસે ગઈ તેની ઉચ્ચ સ્તરીય તપાસ થાય. ૨. આ લેવડ-દેવડની રકમ સરકારી ચોપડે જમા થઈ છે કે ખાનગી ખિસ્સામાં ગઈ છે તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ. ૩. સર્વે નં. ૧૭૫માંથી અત્યાર સુધીમાં કુલ કેટલા મેટ્રિક ટન કે ઘનમીટર માટીનો જથ્થો ઉઠાવી જવામાં આવ્યો છે તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.

જો આ પ્રકારે સરકારી ગૌચરમાંથી રોયલ્ટી ચોરી કરીને બેફામ ખનન ચાલુ રહેશે તો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને ભૂસ્તર વિભાગ આ મામલે કેવા પ્રકારના આકરા પગલાં ભરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!