વિજ્ઞાન અને આયુર્વેદના સંગમ સાથે સર્જનાત્મક પ્રદર્શન “આઓ સાયન્સમય હો જાય 3.0” યોજાયું

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી માણેક કૃપા વિદ્યામંદિર ખાતે શિક્ષણ સાથે સર્વાંગી વિકાસના અભિગમને સાકાર કરતાં અનોખું અને પ્રેરણાદાયી પ્રદર્શન “આઓ સાયન્સમય હો જાય 3.0” ઉત્સાહભેર યોજાયું. પ્રિન્સિપાલ ગાયત્રી સિંહાના માર્ગદર્શન તથા ટ્રસ્ટી ગિરીરાજ પંડ્યાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ હિંમતનગરના શૈક્ષણિક ક્ષેત્રમાં નવી દિશા દર્શાવતો સાબિત થયો.

કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો. જેમાં કાજલબેન દોશી, કુલદીપભાઈ પાઠક, પ્રકાશભાઈ વૈધ, કલ્યાણભાઈ દેસાઈ, રાકેશભાઈ ભાટિયા, પાર્થભાઈ પંચાલ, ગોપાલભાઈ, કેતુલભાઈ વ્યાસ, અનિલભાઈ પંચાલ, જાનકી રાવલ, રાજુભાઈ શર્મા, રાજુભાઈ દેસાઈ, ડિકુલભાઈ ગાંધી તથા મુકેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ નિહાળી તેમની સર્જનાત્મકતા અને વિજ્ઞાન પ્રત્યેની રુચિને બિરદાવી.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનો સંબંધ સમજાવવાનો રહ્યો. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક રજૂઆત કરી કે આયુર્વેદ માત્ર પરંપરા નહીં પરંતુ વૈજ્ઞાનિક આધાર ધરાવતી જીવનશૈલી છે. પ્રદર્શન દરમિયાન બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સના વિવિધ મોડેલ્સ દ્વારા પ્રકૃતિ અને માનવ શરીરનું સંતુલન, જડીબુટ્ટીઓના તત્વો અને શરીરની ઉર્જા તથા ગતિના સિદ્ધાંતોને સરળ રીતે રજૂ કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓએ ભારતીય તહેવારો અને રમતગમત પાછળ રહેલા વૈજ્ઞાનિક તત્ત્વોને પણ રસપ્રદ રીતે રજૂ કર્યા. ઋતુચર્યા, પર્યાવરણ જતન તથા રમતોમાં બળ અને ગતિના સિદ્ધાંતોની સમજણથી વાલીઓ પણ પ્રભાવિત બન્યા.કાર્યક્રમના અંતે સંદેશ આપવામાં આવ્યો કે વિજ્ઞાન અને આયુર્વેદ એકબીજાના પૂરક છે અને બંનેના સંકલનથી સ્વસ્થ અને દીર્ઘાયુ સમાજનું નિર્માણ શક્ય બને છે. વાલીઓના સહયોગ અને શિક્ષકોની મહેનતે આ પ્રદર્શનને માત્ર કાર્યક્રમ નહીં પરંતુ જ્ઞાનનો મહોત્સવ બનાવી દીધો.




