દેરોલના તિરૂપતિ ઋષિવનમાં પ્રાકૃતિક ખેતી મહાસંમેલન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ખેડૂત અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દેરોલ ખાતે આવેલા તિરૂપતિ ઋષિવનમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય મહાસંમેલન યોજાયું. ગ્રીન ગ્લોબન અને અસ્મિતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અને ખેડૂતોને ઝેરમુક્ત કૃષિ તરફ દોરી જવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો હતો.

કાર્યક્રમ સ્થળે રાજ્યપાલના આગમન સમયે ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે તિરૂપતિ ઋષિવન ખાતે આવેલા ડેમની મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે હરિત અભિયાનને મજબૂત બનાવતો પ્રયાસ રહ્યો હતો.આ પ્રસંગે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધી સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતીના લાભ તથા ટેકનિક અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મહાસંમેલન દરમિયાન પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને સમાજમાં વિશિષ્ટ કામગીરી કરનાર આગેવાનોને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં નવી ઉર્જા અને પ્રેરણા જોવા મળી હતી.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન આશરે ૫૦ જેટલી બહેનોને તેમની માસિક બચતના ચેક રાજ્યપાલના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ ગંગાસ્વરૂપા બહેનોના બચત મંડળોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જે મહિલાઓના આર્થિક સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના નવા મોડલ, આધુનિક ટેકનિક, ઝેરમુક્ત ખેતીના ફાયદા તેમજ ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખેડૂતકેન્દ્રિત, પ્રેરણાદાયી અને જાગૃતિ વધારતો સાબિત થયો હતો.




