પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સાબરકાંઠાના ૬ કાર્યકરોને ભાજપે નોટીસ ફટકારી
આગામી દિવસોમાં હજુ પણ કાર્યવાહી થઈ શકે છે

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મુખ્યત્વે ભાજપના કાર્યકરોમાં ટિકિટના મુદ્દે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ ઉભો થયો છે. ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયા બાદ સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ૬ કાર્યકરોને પ્રદેશ ભાજપના આદેશ બાદ નોટીસ આપી ખુલાસો કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે શુક્રવારે વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં સ્થાનિક સ્વરાજની યોજાઈ રહેલી ચૂંટણી દરમિયાન કેટલાક મુદ્દે પક્ષના કાર્યકરોએ નારાજગી દર્શાવીને ગમે તે મુદ્દે વિરોધ દર્શાવ્યો હોવાની માહિતી જિલ્લાના સંગઠનને મળી હતી. ત્યારબાદ આ માહિતીની પુષ્ટિ કરાયા બાદ તેમની હરકતોને ધ્યાનમાં રાખી તરત જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાજેતરમાં નોટીસ પાઠવવામાં આવી છે.
જોકે હાલના તબક્કે કયા કાર્યકરોને નોટીસ અપાઈ છે તે મુદ્દે પ્રમુખે થોભો અને રાહ જુઓ એમ કહીને પ્રદેશની સૂચના બાદ આગળની કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ ચૂંટણીના સમયગાળા દરમિયાન ભાજપના કાર્યકરોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને જો તેમાં કોઈ કાર્યકર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતો હશે તો તેની સામે પણ પક્ષ દ્વારા પગલાં લેવામાં આવશે.
હાલ તો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પ્રદેશ અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચા કરાયા બાદ જરૂર પડે કાર્યવાહી કરવામાં આવશે.




