જવાનગઢ NH-48 પર 6 મોત: જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ન થવી એ પણ બેદરકારી નથી?

જવાનગઢ નજીક NH-48 પર થયેલા આ જીવલેણ અકસ્માત મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ ડિરેક્ટર/સેક્શન હેડ તેમજ સંબંધિત મેન્ટેનન્સ અને ટોલ ઓપરેટર એજન્સી સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, કારણ કે આ દુર્ઘટના સીધી બેદરકારી અને ખામીયુક્ત માર્ગ વ્યવસ્થાનું પરિણામ માનવામાં આવી રહી છે.
ચિલોડા થી શામળાજી સુધીના નેશનલ હાઈવે-48 પર જવાનગઢ નજીક થયેલા ભયાનક અકસ્માતમાં 6 મહિલાઓના કરુણ મોત થયા બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર ડિવાઈડર કટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલાક કટ બંધ પણ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ કાર્યવાહી દુર્ઘટના બાદ કરવામાં આવી હોવાથી સ્પષ્ટ થાય છે કે તંત્ર મોડું જાગ્યું છે.
એકાદ વર્ષ અગાઉ પણ ચિલોડા થી શામળાજી વચ્ચે હિંમતનગર નજીક સહકારી જીન પાસે સમાન પ્રકારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા, છતાં તંત્ર દ્વારા કોઈ મૂળભૂત સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નહોતા. વારંવાર આવી દુર્ઘટનાઓ બનવી એ સ્પષ્ટ કરે છે કે જવાબદાર તંત્ર હજુ પણ શીખવા તૈયાર નથી.
ચિલોડા થી હિંમતનગર અને આગળ શામળાજી સુધીનો માર્ગ વર્ષોથી ખામીયુક્ત હાલતમાં છે, જેમાં અનેક સ્થળોએ એક સાઈડ તોડી જોખમી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. મજરા અને હાજીપુર પાસે આવેલા ઓવરબ્રિજ પર બંને દિશાના માર્ગમાંથી એક સંપૂર્ણ સાઈડ બંધ રાખીને ફક્ત એક સાઈડ પરથી વાહન વ્યવહાર ચલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકને નીચેના સર્વિસ રોડ મારફતે ડાયવર્ઝન આપવામાં આવે છે, જે અત્યંત જોખમી છે. તાજેતરમાં બનેલા આવા કામમાં આજે આવી સ્થિતિ કેમ ઊભી થઈ તે પ્રશ્નો ઊભા કરે છે.
આ ઉપરાંત માર્ગની સાઈડમાં યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી, સર્વિસ રોડ પર અનેક જગ્યાએ ડ્રેનેજ લાઇનના ઢાંકણ તૂટેલા હાલતમાં છે, જ્યારે વળાંક અને બ્રિજ જેવા જોખમી સ્થળોએ જરૂરી ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર અને ગાર્ડ સ્ટોન જેવી સલામતી સુવિધાઓ હજુ સુધી પૂરતી રીતે લગાવવામાં આવી નથી. બ્રિજ તથા માર્ગની બાજુઓ પર ક્રેશ બેરિયર પણ અધૂરા છે. આ પરિસ્થિતિ વચ્ચે ટોલ ટેક્સ વસૂલતી એજન્સી દ્વારા 24 કલાક પેટ્રોલિંગ, એમ્બ્યુલન્સ અને ક્રેન જેવી ફરજિયાત સેવાઓ અસરકારક રીતે ઉપલબ્ધ નથી, જ્યારે મેન્ટેનન્સ માટે ચૂકવાતી રકમ હોવા છતાં મેદાન પર કામગીરી ન દેખાવું ગંભીર બેદરકારી દર્શાવે છે.
ટ્રાફિક પોલીસ દ્વારા જોખમ અંગે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં NHAI ના જવાબદાર અધિકારીઓ દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા નહોતા, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.
અકસ્માત પછી હવે કટ બંધ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું દરેક દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે? જ્યારે સુધી માર્ગની મૂળભૂત ખામીઓ દૂર નહીં થાય, ત્યાં સુધી આવી ઘટનાઓ અટકવાની નથી.
સ્થાનિક સ્તરે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને માંગ ઉઠી છે કે સમગ્ર માર્ગની ઉચ્ચસ્તરીય ટેક્નિકલ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તમામ ગેરકાયદેસર કટ કાયમી બંધ કરવામાં આવે અને તમામ સલામતી સુવિધાઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
સ્પષ્ટ છે કે જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો 6 નિર્દોષ મહિલાઓના જીવ બચી શકતા. હવે માત્ર કટ બંધથી નહીં, જવાબદારો સામે કડક કાર્યવાહીથી જ ન્યાય મળશે.



