પોશીનામાં ૧૭ મીમી કમોસમી વરસાદ, વિજયનગરમાં વાવાઝોડાથી દેશી કેરીના પાકને ભારે નુકસાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત અનેક વિસ્તારોમાં બુધવારે બપોર બાદ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદી છાંટાં વરસ્યા હતા. થોડા સમય માટે પડેલા આ કમોસમી વરસાદે ગરમીમાંથી રાહત આપવાને બદલે બફારો વધારી દીધો હતો, જેના કારણે શહેરજનોમાં ભારે અકળામણ ફેલાઈ હતી. દરમિયાન પોશીના તાલુકામાં પોણા કલાકમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો હતો.
અચાનક આવેલા વરસાદને કારણે ખેતરોમાં પાકની કાપણી તથા અન્ય ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો ચિંતિત બન્યા હતા. ઉનાળાની ઋતુમાં આવી અનિશ્ચિત હવામાન પરિસ્થિતિ સર્જાતા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ રસ્તાઓ પર મજૂરી માટે નીકળેલા શ્રમિકો તેમજ ખુલ્લામાં રહેલા પશુઓને વરસાદી છાંટાંથી બચવા માટે ઝાડ નીચે આશરો લેવો પડ્યો હતો.
વિજયનગર તાલુકામાં મંગળવારે સાંજે ત્રાટકેલા વાવાઝોડાએ દેશી કેરીના પાકને ભારે ફટકો પહોંચાડ્યો હતો. તેજ પવનના કારણે મોટી સંખ્યામાં દેશી કેરીઓ ખરી પડી જતા ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને પોશીના તાલુકાના દેલવાડા, આંજણી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.




