હિંમતનગર આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓએ અનોખો પ્રોજેક્ટ બનાવ્યો બે મહિનાની મહેનત બાદ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓએ આઈ લવ આઈટીઆઈ હિંમતનગર નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બે મહિનાની મહેનત બાદ આ પ્રોજેક્ટનું સંસ્થાના અધ્યાપકો અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.
આ પ્રોજેક્ટ વર્ક હિંમતનગર આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ચાલુ વર્ષના બેચ નં.૮૩ના ૨૬ તાલીમાર્થીઓએ સઘન વિચારણાને અંતે હાથ ધર્યું હતુ. જે વેલ્ડર ટ્રેડના ઇન્સ્ટ્રક્ટર જે.ડી.સુતરિયાના માર્ગદર્શન હેઠળ તાલીમ પૂર્ણ કર્યા બાદ આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટને તૈયાર કરવામાં અંદાજે બે મહિનાનો સમય લાગ્યો હતો. તેમાં ૮ બાય ૪ની એમ.એસ.શીટ, ૧ બાય ૧ની એમ.એસ. પટ્ટી, ૬૦ બાય ૩ અને ૧ બાય ૧ના પાઇપ સહિત અંદાજે ૧૦૦ કિલો લોખંડનો ઉપયોગ કરાયો હતો.
તાલીમાર્થીઓએ કટિંગ, વેલ્ડિંગ, ગ્રાઇન્ડિંગ અને પેઇન્ટિંગ જેવા વિવિધ ઓપરેશન્સનો ઉપયોગ કરીને આ મોડેલ બનાવ્યું હતું. સંસ્થાના વડા જે.એન. પુરોહિત અને આચાર્ય વર્ગ-૨ બી.એમ. પટેલના હસ્તે આઈટીઆઈ પરિસરમાં આઈ લવ આઈટીઆઈ હિંમતનગર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ ટ્રેડના અધ્યાપકો અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




