વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર આજે મતદાન
સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધીમાં ૨૨૨૯ મતદારોએ કર્યું મતદાન

૬ મતદાન મથક પર ત્રણ મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો
ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માટે કુલ ૪૯૬૪ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપની મહિલા ઉમેદવારનું અવસાન થતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર રવિવારે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ ૨૨૨૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું હતું.

ચિતરીયા બેઠક માટે કુલ ૬ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ત્રણ મહિલા ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મેદાનમાં હોવાથી ચૂંટણીમાં રસાકસીનો માહોલ સર્જાયો છે. આ બેઠક પર કુલ ૪૯૬૪ મતદારો નોંધાયેલા છે, જે દિવસ દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપની મહિલા ઉમેદવારનું અવસાન થતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી મતદાન યોજાયું છે. હાલ વિજયનગર તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાં ભાજપ પાસે ૯ બેઠકો, કોંગ્રેસ પાસે ૫ બેઠકો અને આમ આદમી પાર્ટી પાસે ૩ બેઠકો છે. ચિતરીયા બેઠકના પરિણામ પર સ્થાનિક રાજકીય સમીકરણોની નજર ટકેલી છે.




