વિજયનગરના પરોસડામાં કોર્ટ કેસના વિવાદમાં એક વ્યક્તિ પર હુમલો: ચાર સામે પોલીસ ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પરોસડા ગામે જમીન વિવાદના કૌટુંબિક કેસમાં બોલાચાલી બાદ ચાર વ્યક્તિઓએ ભેગા મળીને એક યુવક પર હુમલો કરી તેને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિતની ફરિયાદના આધારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પરોસડા ગામે રહેતા પિન્ટુ મનજીભાઈ નિનામા અને તેમના પરિવારના સભ્યો વચ્ચે સંયુક્ત માલિકીની જમીન અંગે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતે અદાલતમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેનો આખરી ઉકેલ આવ્યો નથી.
દરમિયાન, ગત ૭ ઓગસ્ટના રોજ અદાલતી કેસની અદાવત રાખીને પ્રકાશ મંગળાજી નિનામા, પિન્કેશ દિનેશભાઈ નિનામા, કલ્પેશ રમેશભાઈ નિનામા અને દિનેશ મંગળાજી નિનામાએ એકસંપ થઈને ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન પ્રકાશ અને પિન્કેશે પિન્ટુ નિનામા પર છૂટા પથ્થરોના ઘા મારીને તેમજ ગડદાપાટુનો ઢોરમાર મારીને ઇજાઓ પહોંચાડી હતી. સાથે જ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે પિન્ટુ નિનામાએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




