ગિફ્ટ સિટીની શૂટ સ્પેસ કંપનીના કરોડોના કૌભાંડમાં અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ સહિત 6 સામે ગુનો

ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલી શૂટ સ્પેસ ડિજિટલ પ્રા. લિ. કંપની દ્વારા રોકાણકારોને વધુ વળતરની લાલચ આપી કરોડોની છેતરપિંડી આચરવાના મામલે ડભોડા પોલીસે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.
પોલીસ તપાસ મુજબ કંપની દ્વારા “ટેરાબાઈટ ડેટા સ્ટોરેજ” સ્કીમ ચલાવવામાં આવતી હતી. જેમાં રોકાણકારોને એક TB ડેટા સ્પેસ રૂ. 38,940માં વેચવામાં આવતી હતી અને તેના બદલામાં દર મહિને રૂ. 1,650 ભાડું આપવાની ખાતરી આપવામાં આવતી હતી. વધુ નફાની લાલચમાં આવી અનેક લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
પરંતુ થોડા સમય બાદ રોકાણકારોને વળતર અને ભાડાની ચુકવણી બંધ થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ફરિયાદી સહિત 13 જેટલા રોકાણકારોના અંદાજે રૂ. 4.90 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસને આશંકા છે કે રોકાણકારોની સંખ્યા અને કૌભાંડનો આંકડો હજુ વધુ વધી શકે છે.
આ સમગ્ર પ્રકરણમાં શૂટ સ્પેસ ડિજિટલ પ્રા. લિ.ના ફાઉન્ડર અને ડિરેક્ટર ઉત્પલ રામાભાઈ પટેલ, ડિરેક્ટર અરૂણ રમેશચંદ્ર રાય, ક્લાઉડીજી ડિજિટલ પ્રા. લિ.ના બોર્ડ ઓફ ડિરેક્ટર અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ વીરચંદભાઈ પટેલ, શૂટ સ્પેસના ઝોનલ મેનેજર સચિન અમૃતભાઈ પટેલ, હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિ.ના બોર્ડ ઓફ ડિરેક્ટર ભૂમિ ઉત્પલ પટેલ તથા શૂટ સ્પેસના એડિશનલ ડિરેક્ટર ધ્રુવ જગદીશ ચૌધરીના નામ સામે આવ્યા છે.
ગાંધીનગર પોલીસે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ અને સચિન પટેલની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ઉત્પલ પટેલ પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને લુકઆઉટ નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન કરોડોના નાણાકીય વ્યવહારો, બેંક એકાઉન્ટ, રોકાણકારોના દસ્તાવેજો તેમજ અન્ય કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર કરવાના મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. ઈકોનોમિક ઓફેન્સ સાથે જોડાયેલી એજન્સીઓ પણ સમગ્ર મામલે સક્રિય બની છે




