ટોપ સ્ટોરીઝ

માર્ગ અને મકાન વિભાગની પ્રશંસનીય કામગીરી હિંમતનગર-ઈડર હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા માટે એન્ટી-ગ્લેર પેનલ્સ લગાવાઈ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા હિંમતનગર-ઈડર હાઈવે પર રાત્રિના સમયે વધતા અકસ્માતોને અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હાઈવેના ડિવાઈડર પર ખાસ પ્રકારની એન્ટી-ગ્લેર પેનલ્સ લગાવવામાં આવી રહી છે, જેના કારણે સામે આવતાં વાહનોની હાઈબીમ લાઈટનો સીધો પ્રકાશ વાહનચાલકોની આંખ પર નહીં પડે.

રાત્રિના સમયે હાઈવે પર હાઈબીમ લાઈટના કારણે ઘણીવાર વાહનચાલકોને રસ્તો સ્પષ્ટ દેખાતો નથી અને અકસ્માતોની શક્યતા વધી જાય છે. ખાસ કરીને ટ્રક, બસ અને લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકો માટે આ સમસ્યા ગંભીર બની રહેતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિવાઈડર પર લીલા રંગની વિશેષ ડિઝાઈનવાળી એન્ટી-ગ્લેર પેનલ્સ લગાવવાનું કામ શરૂ કરાયું છે.

આ પેનલ્સ સામે આવતાં વાહનોની તેજ લાઈટને અવરોધી દે છે, જેથી ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ રીતે દેખાય છે અને આંખોને તકલીફ પડતી નથી. વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી હાઈવે પર થતા અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મજબૂત પ્લાસ્ટિક અને ફાઈબર મટીરીયલથી બનેલી આ પેનલ્સ તડકો, વરસાદ અને પવન જેવી પરિસ્થિતિમાં પણ ટકાઉ રહે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. સ્થાનિક વાહનચાલકો દ્વારા પણ માર્ગ અને મકાન વિભાગની આ કામગીરીને પ્રશંસનીય ગણાવી સલામતી માટે અસરકારક પગલું ગણાવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!