ટોપ સ્ટોરીઝ

“કોકરોજ જનતા પાર્ટી” : યુવાનોનો અવાજ કે ડિજિટલ રાજકીય ખેલ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના યુવાનો સંબંધિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર “Cockroach Janta Party” નામનું ડિજિટલ અભિયાન દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે બાદમાં CJI સૂર્યકાંતે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમ છતાં સમગ્ર મુદ્દાએ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ચર્ચા જગાવી છે.

Instagram અને X (પૂર્વે Twitter) પર શરૂ થયેલા આ અભિયાનને ખૂબ ટૂંકા સમયમાં લાખો-કરોડો ફોલોઅર્સ મળતા હવે તેની પાછળની હકીકતને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

મીડિયા અહેવાલો મુજબ આ અભિયાન પાછળ અભિજીત દિપકે નામનો યુવાન હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા અને ડિજિટલ કેમ્પેઇનિંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક અહેવાલોમાં તે હાલમાં અમેરિકાની Boston Universityમાં Public Relations સંબંધિત અભ્યાસ કરતો હોવાનું પણ જણાવાયું છે. જોકે આ તમામ વિગતો અંગે સત્તાવાર સ્તરે સંપૂર્ણ પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી.

Reuters સહિતના આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં “Cockroach Janta Party” ને બેરોજગારી, મોંઘવારી, પેપર લીક, ભરતીમાં વિલંબ અને યુવાનોમાં વધી રહેલા અસંતોષના ડિજિટલ પ્રતિક તરીકે રજૂ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વ્યંગાત્મક પોસ્ટ, મીમ્સ અને રાજકીય ટિપ્પણીઓ દ્વારા યુવાનોના પ્રશ્નોને ઉઠાવવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, ખૂબ ટૂંકા સમયમાં થયેલી અસાધારણ લોકપ્રિયતા અને કરોડો ફોલોઅર્સના વધારાને લઈને કેટલાક વર્તુળોમાં શંકા પણ વ્યક્ત થઈ રહી છે. શું આ માત્ર યુવાનોનો સ્વાભાવિક ડિજિટલ અવાજ છે કે પછી તેની પાછળ કોઈ સંગઠિત રાજકીય ડિજિટલ સ્ટ્રેટેજી કાર્યરત છે? આ સવાલ હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તાજેતરમાં વધુ એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે “Cockroach Janta Party”નું X હેન્ડલ ભારતમાં “withheld” અથવા પ્રતિબંધિત કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાનૂની માંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાએ સમગ્ર મુદ્દાને વધુ ચર્ચાસ્પદ અને રાજકીય રંગ આપ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે યુવાનોના પ્રશ્નોને અવગણવા શક્ય નથી. દેશનો એક મોટો વર્ગ બેરોજગારી અને સ્પર્ધાત્મક દબાણ વચ્ચે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે. સાથે સાથે રાષ્ટ્રીય અને સામાજિક દ્રષ્ટિએ ઝડપથી ઊભા થતા આવા ડિજિટલ અભિયાનોની પારદર્શક સમીક્ષા અને જરૂરી હોય ત્યાં તપાસ થવી પણ જરૂરી માનવામાં આવી રહી છે.

હાલ “Cockroach Janta Party” ને ભારતના યુવાનોના અસંતોષ, સોશિયલ મીડિયા પ્રભાવ અને ડિજિટલ રાજકીય અભિવ્યક્તિના નવા પ્રયોગ તરીકે જોવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!