હિંમતનગરમાં ઉત્તર ગુજરાતના ૧૦૮ કોરોના વોરિયર્સનું સન્માન ૮૦થી વધુ પાયલોટ અને ડોક્ટરોને એવોર્ડ-પ્રમાણપત્ર આપી બિરદાવાયા

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ૧૦૮ ઇમરજન્સી સેવા અંતર્ગત ઉત્તર ગુજરાતમાં ફરજ બજાવતા પાયલોટ તેમજ ડોક્ટરો માટે હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે ભવ્ય એવોર્ડ સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ૮૦થી વધુ કર્મચારીઓને તેમની નિષ્ઠાપૂર્વકની સેવા, ઈમાનદારી અને ઇમરજન્સી કામગીરી બદલ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ૧૦૮ સેવા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ૧૦૮ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ૨૯ ઓગસ્ટ ૨૦૦૭થી શરૂ થયેલી ૧૦૮ ઇમરજન્સી સેવા આજે લોકો માટે જીવનદાતા સમાન બની છે. હાલમાં રાજ્યભરમાં ૧૪૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે દરરોજ હજારો લોકોને તાત્કાલિક સારવાર અને સહાય પૂરી પાડી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોને ૧૦૮ સેવા મારફતે મદદ મળી ચૂકી છે. સરેરાશ માત્ર ૧૧ મિનિટના સમયગાળામાં દર્દી સુધી પહોંચતી ૧૦૮ સેવા અકસ્માત, પ્રસૂતિ, હાર્ટ એટેક સહિતની અનેક ઇમરજન્સી પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.કાર્યક્રમ દરમિયાન ૧૦૮ કર્મચારીઓની નિષ્ઠા, સેવા ભાવના અને જોખમી પરિસ્થિતિઓમાં કરેલી કામગીરીને ખાસ બિરદાવવામાં આવી હતી. સાથે જ આવનારા સમયમાં પણ કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકોની સેવા માટે ૧૦૮ તત્પર રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી.




