અસારવા-જયપુર એકસપ્રેસને ખાતીપુરા સુધી લંબાવાઈ, ૧૯ જૂનથી અમલ થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે તાજેતરમાં મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી દોડતી અસારવા-જયપુર એક્સપ્રેસ ટ્રેનને આગામી તા.૧૯ જૂનથી જયપુરથી લંબાવી ખાતીપુરા સ્ટેશન સુધી દોડશે.
આ ફેરફાર આગામી ૧૯ જૂન, ૨૦૨૬ થી અમલી બનશે. રેલવે પ્રશાસન દ્વારા બંને દિશાની ટ્રેનો માટે સુધારેલું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર ૧૨૯૮૨ અસારવા – ખાતીપુરા એક્સપ્રેસ ૧૯ જૂન ૨૦૨૬થી નવા સમય મુજબ અસારવા સ્ટેશનથી રાત્રે ૧૯ઃ૫૫ વાગ્યે ઉપડશે. તે બીજા દિવસે સવારે ૦૭ઃ૩૦ વાગ્યે જયપુર અને ૦૭ઃ૫૧ વાગ્યે ગાંધીનગર જયપુર પહોંચશે. ત્યાંથી આગળ વધીને સવારે ૦૮ઃ૨૫ વાગ્યે તેના અંતિમ સ્ટેશન ખાતીપુરા ખાતે પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર ૧૨૯૮૧ ખાતીપુરા – અસારવા એક્સપ્રેસ ૨૦ જૂન ૨૦૨૬થી ખાતીપુરા સ્ટેશનથી રાત્રે ૨૦ઃ૦૫ વાગ્યે ઉપડશે. ત્યારબાદ રાત્રે ૨૦ઃ૧૮ વાગ્યે ગાંધીનગર જયપુર અને ૨૦ઃ૩૫ વાગ્યે જયપુર સ્ટેશને પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે સવારે ૦૮ઃ૪૦ વાગ્યે અસારવા ટર્મિનસ પર પરત ફરશે. રેલવેના સત્તાવાર નોટિફિકેશન મુજબ અસારવા અને જયપુર સ્ટેશન વચ્ચેના જૂના સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવો સમય માત્ર જયપુરથી આગળ ખાતીપુરા સુધી જ લાગુ પડશે.




