માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાના ચાર તાલુકાઓમાં સંચાલિત 60 જ્ઞાનધારા પાઠશાળાઓ ખાતે વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં આશરે 1500 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ યોગના વિવિધ આસનોનું પ્રદર્શન કર્યું હતું અને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું અને બાળકોમાં યોગ પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે માનવતા જાગૃત ટ્રસ્ટના અધ્યક્ષ ભરતભાઈ લીંબાચિયાએ યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા અનેક ગંભીર અને જટિલ રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે તેમજ શરીરને નિરોગી અને સ્ફૂર્તિમય રાખી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ દરેક વયના લોકો માટે લાભદાયક છે. નાના બાળકો હોય કે વડીલો, સૌએ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ. યોગની નિયમિત ટેવ સમાજને સ્વસ્થ, સશક્ત અને તંદુરસ્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવનારી પેઢીને પણ નિરોગી અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરવા માટે યોગ અત્યંત અસરકારક માધ્યમ છે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ વ્યાપક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.




