‘સ્વસ્થ બાળક – સ્વસ્થ સમાજ’ના સંકલ્પને સાકાર કરતું સાબરકાંઠા આરોગ્ય તંત્ર: RBSK હેઠળ 17.32 લાખથી વધુ બાળકોનું સ્ક્રીનિંગ

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘સ્વસ્થ બાળક – સ્વસ્થ સમાજ’ના સંકલ્પ સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત બાળકોના આરોગ્ય સંરક્ષણ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જિલ્લામાં 0 થી 18 વર્ષની વયના શાળાએ જતા તેમજ શાળાએ ન જતા કુલ 17,32,352 બાળકોનું વ્યાપક આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
આ અભિયાન દરમિયાન સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ ધરાવતા બાળકોની વહેલી તકે ઓળખ કરી તેમને યોગ્ય સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં હૃદયરોગથી પીડાતા 1,036 બાળકો, કિડની સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા 241 બાળકો તથા કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહેલા 143 બાળકોને વધુ તપાસ અને સારવાર માટે ઉચ્ચ કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે.

જન્મજાત શારીરિક ખામીઓ ધરાવતા બાળકોના જીવનમાં પણ આ કાર્યક્રમ આશીર્વાદરૂપ બન્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં કપાયેલા હોઠ અને તાળવામાં કાણાં જેવી જન્મજાત વિકૃતિ ધરાવતા 120 બાળકોની સફળ સર્જરી કરાવી તેમને સામાન્ય અને આત્મવિશ્વાસભર્યું જીવન જીવવાની તક આપવામાં આવી છે.
વિતેલા પાંચ વર્ષ દરમિયાન કુલ 1,852 બાળકોને વિવિધ ગંભીર બીમારીઓ માટે સમયસર નિદાન અને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવી નવજીવન બક્ષવામાં આવ્યું છે. આ કામગીરી જિલ્લા આરોગ્ય સેવાઓની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
હાલમાં જિલ્લામાં 29 નિષ્ણાત તબીબી ટીમો કાર્યરત છે, જે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં જઈ બાળકોની નિયમિત આરોગ્ય તપાસ કરી રહી છે. ઉપરાંત સરકારી હોસ્પિટલો અને ડિલિવરી પોઇન્ટ્સ પર જન્મેલા નવજાત શિશુઓમાં જન્મજાત ખામીઓનું વહેલું નિદાન થાય તે માટે પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય વિભાગના આ સતત પ્રયાસો બાળકોના સ્વસ્થ ભવિષ્ય સાથે એક તંદુરસ્ત અને સક્ષમ સમાજના નિર્માણ માટે મજબૂત પાયો પુરવાર થઈ રહ્યા છે.




