પ્રાંતિજ-૨ પ્રાથમિક શાળામાં ૨૧મો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ થીમ પર ઉત્સાહભેર ઉજવાયો

સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ પ્રાંતિજ-૨ પ્રાથમિક શાળામાં ૨૧મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે સમગ્ર કાર્યક્રમ ‘પ્રાંતિજ-૨ પ્રાથમિક શાળા અને પ્રાંતિજ-૪ પ્રાથમિક શાળાનો પ્રગતિનો પ્રવેશોત્સવ’ થીમ પર સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. જેમાં બાલવાટીકા અને ધોરણ-૧ ના નવિન પ્રવેશપાત્ર બાળકો તેમજ આંગણવાડીના ભૂલકાંઓને મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી શાળામાં ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લાના અધિક્ષક ઇજનેર અને મુખ્ય અધિકારી શ્રી વી.એસ. કટારા સાહેબ તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટર (પ્રાંતિજ-૨) શ્રી મહેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપી બાળકોને નિયમિત શાળાએ આવવા પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા.શૈક્ષણિક પ્રોત્સાહન, શાળા સલામતી સંકલ્પ અને અન્ય પ્રવૃત્તિઓ કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું ગૌરવ કરાયું હતું, જેમાં ધોરણ-૩ થી ૮ માં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા.શાળામાં બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ‘શાળા સલામતી સંકલ્પ પત્ર’નું વાંચન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સર્વેએ આ અંગે ગંભીરતાપૂર્વક સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે શાળા પરિસરમાં પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા ચરણમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના અધ્યક્ષ, સભ્યો અને વાલીઓ સાથે એક વિશેષ બેઠક યોજીને શાળાના પ્રગતિ પંથ અને શૈક્ષણિક ગુણવત્તા અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય ડો. ઉત્પલકુમાર કુલકર્ણી દ્વારા તમામ મહેમાનોનું શબ્દોથી ભાવભર્યું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવનું સુંદર આયોજન બંને શાળાના આચાર્યશ્રીઓના કુશળ માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુઆયોજિત રીતે થયું હતું. કાર્યક્રમનું સફળ મંચ સંચાલન શ્રી યોગેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં ઉપસ્થિત સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવાની વિધિ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે એસ.એમ.સી. (SMC) સમિતિ, શાળા સ્ટાફના સાથી મિત્રો, પ્રાંતિજ શહેરના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને ભૂલકાંઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




