વરૂણ દેવને રીઝવવા શ્રદ્ધાના સથવારે ભક્તિનો સમન્વય
સાબરકાંઠાની ૧,૧૫૦થી વધુ શાળાઓમાં વિદ્યાર્થીઓ-શિક્ષકોએ રામધુન બોલાવી વરસાદ માટે કરી પ્રાર્થના

ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની મોડી શરૂઆત અને વાવણીલાયક વરસાદના અભાવે ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વરૂણ દેવને રીઝવવા માટે અનોખી શ્રદ્ધાભક્તિ જોવા મળી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ સોમવારે જિલ્લાના ૧,૧૫૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકસ્વરે રામધુન બોલાવી મેઘરાજાને વહેલી તકે વરસવાની પ્રાર્થના કરી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિનય પટેલે જણાવ્યું હતું કે હવામાન વિભાગના અંદાજ મુજબ દર વર્ષે ૧૫મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે અલ નીનોની અસરને કારણે ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતાં ત્યાં વાવણી શરૂ થઈ ગઈ છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં હજુ સુધી વાવણીલાયક વરસાદ નોંધાયો નથી.

જિલ્લાની હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોની ૧,૧૫૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં હજારો વિદ્યાર્થીઓ અને અંદાજે પાંચ હજારથી વધુ શિક્ષકો જોડાયા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક રામધુન ગાઈ મેઘરાજાને વહેલી તકે પધારવાની પ્રાર્થના કરી હતી. સમગ્ર શાળા પરિસરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં જો આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડે તો સરકારને શાળાઓના સમય અંગે પણ નિર્ણય લેવો પડી શકે છે. ભૂતકાળમાં જુલાઈ મહિનાથી શાળાઓનો સમય બપોરનો કરવામાં આવતો હતો, પરંતુ હજુ સુધી વરસાદ ન પડતાં આ વર્ષે સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.




