સાબરકાંઠામાં મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય માટે વટસાવિત્રી પૂર્ણિમાનું વ્રત કર્યું
વડલાની પૂજા કરી સુતરની દોરી સાથે ૧૦૮ પ્રદક્ષિણા કરી, મંદિરોમાં મહિલાઓની ભારે ભીડ

જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે સોમવારે સાબરકાંઠા જિલ્લામાં સુહાગિની મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય અને પરિવારના સુખ-સમૃદ્ધિ માટે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વટસાવિત્રી પૂર્ણિમાનું વ્રત કર્યું હતું. વિવિધ મંદિરોમાં વહેલી સવારથી મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં પૂજા સામગ્રી અને સુતરની દોરી સાથે ઉમટી પડી હતી.
હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિર, ઝરણેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, મહાવીરનગર પંચદેવ મંદિર તેમજ મહાકાલી માતાજીના મંદિર સહિતના સ્થળોએ વડલાના વૃક્ષ નીચે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે પૂજનવિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ મહિલાઓએ સુતરની દોરી વડે વડલાની ૧૦૮ પ્રદક્ષિણા કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
શાસ્ત્રી પાર્થ ભટ્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે સુહાગિની મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય અને કુટુંબના સુખ-સમૃદ્ધિ માટે વટસાવિત્રીનું વ્રત કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મહાભારતના વનપર્વ મુજબ સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મ અને તપના બળથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. ધર્મસિંધુ, સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં પણ આ વ્રતનો મહિમા વર્ણવાયો છે.
આ વર્ષે સોમવાર અને મૂળ નક્ષત્રનો દુર્લભ શુભ સંયોગ બનતા વ્રતનું મહત્વ વધુ વધી ગયું છે. સોમવાર ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે. માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા કઠોર તપ કર્યું હતું. તેથી આ દિવસે શિવ-પાર્વતીની ઉપાસના સાથે વટસાવિત્રીનું વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ, પ્રેમ અને વિશ્વાસમાં વધારો થાય છે તેમજ વિવાહ સંબંધિત અડચણો દૂર થાય છે.




