ખેડબ્રહ્મા વિસ્તારમાં ગેરકાયદેસર શિકાર કરવા આવેલા 11 શખ્સો ઝડપાયા
એસઓજીએ 3 દેશી બંદૂકો, 11 બાઈક અને 11 મોબાઇલ સહિત રૂ. 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અને ફરાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રને આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને સાબરકાંઠા એસઓજીએ ખેડબ્રહ્મા પોલીસ મથક વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજીને બાતમી મળી હતી કે ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામ નજીક કેટલાક ઇસમો મોટરસાયકલ લઈને ગેરકાયદેસર શિકાર કરવા માટે એકત્ર થયા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કોર્ડન ગોઠવ્યું હતું. પોલીસને જોઈ કેટલાક શખ્સોએ અંધારાનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને કુલ 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 3 દેશી બનાવટની ફૂલ્લીદાર બંદૂકો, 11 મોટરસાયકલ અને 11 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 5,56,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 6 આરોપીઓની શોધખોળ ચાલુ છે. સમગ્ર કાર્યવાહી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા અને પીએસઆઈ પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ તથા ખેડબ્રહ્મા પોલીસના સ્ટાફે સંયુક્ત રીતે પાર પાડી હતી.




