ચાર ઇંચના વરસાદે જ નેશનલ હાઇવે-58ની પોલ ખોલી! વિજયનગર માર્ગ ધોવાતા વાહનવ્યવહાર ઠપ, લોકોમાં ભારે રોષ

સાબરકાંઠા જિલ્લાને રાજસ્થાન સાથે જોડતા મહત્વના નેશનલ હાઇવે-58 પર વિજયનગર નજીક સારોલી ગામ પાસે ભારે વરસાદ બાદ માર્ગ ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિજયનગર પેટ્રોલ પંપ નજીક રોડનો એક ભાગ ધસી પડતાં અનેક વાહનો રસ્તામાં જ ફસાઈ ગયા હતા, જેના કારણે બંને તરફ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી.
માત્ર ચાર ઇંચ જેટલા વરસાદમાં જ નેશનલ હાઇવેનું ધોવાણ થતાં માર્ગ નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ હાઇવેનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં છે. વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે રોડનું ધોવાણ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ લોકોને પોતાના વાહનો છોડીને પગપાળા રસ્તો પાર કરવાની ફરજ પડી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ પણ માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવા તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવી નહોતી. પરિણામે લાંબા સમય સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહ્યો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ નેશનલ હાઇવે ઓથોરિટી સામે બેદરકારીના આક્ષેપો કરતાં માર્ગનું તાત્કાલિક સમારકામ, વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તેમજ ગુણવત્તાસભર માર્ગ નિર્માણની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થવાનો ભય છે.



