પોશીના પોલીસને મોટી સફળતા: 15 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, ગુજરાત-રાજસ્થાનના અનેક કેસોમાં હતો વોન્ટેડ

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનને લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુના સહિત ગાંધીનગર અને રાજસ્થાનના વિવિધ કોર્ટોના પકડ વોરંટમાં છેલ્લા અંદાજે 15 વર્ષથી નાસતો ફરતો આરોપી ઉદયલાલ ગંગારામ પરુબીયાને પોશીના પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક નવરેન્દ્રસિંહ યાદવ (IPS), જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપી બનાસકાંઠાના હડાદ તરફથી પોશીના આવતી પેસેન્જર ઇકો ગાડીમાં મુસાફરી કરી રહ્યો છે.
બાતમીના આધારે દંત્રાલ ગામ નજીક પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. તેની ઓળખ ઉદયલાલ ગંગારામ પરુબીયા, રહેવાસી ભાદસોડા, ચિત્તોડગઢ (રાજસ્થાન) તરીકે થઈ હતી. આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 35(1)(જે) હેઠળ ડિટેઇન કરી આગળની કાર્યવાહી માટે વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે ગુજરાત અને રાજસ્થાનમાં ચોરી, લૂંટ, ફોરેસ્ટ એક્ટના ગુનાઓ, આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ સહિત ગંભીર પ્રકારના 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત ગાંધીનગર તથા ઉદયપુરની અદાલતોના પકડ વોરંટ પણ તેની સામે બાકી હતા.
આ સમગ્ર કામગીરીમાં પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. સાધુ, સર્વેલન્સ ઇન્ચાર્જ પી.એસ.આઈ. વી.બી. મેઘનાથી, એએસઆઈ અમિતકુમાર સાવનભાઈ તેમજ સર્વેલન્સ ટીમના અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




