ઇડર

ઉમેદગઢમાં ફાયર ટીમનું સાહસિક રેસ્ક્યૂ: પાણીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિનો જીવ બચાવ્યો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામના વાઘા વિસ્તારમાં ભારે વરસાદના કારણે વહેતા પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાઈ જતા જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ઇડર ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સાહસિક રેસ્ક્યૂ હાથ ધરી વ્યક્તિનો સુરક્ષિત બચાવ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, વાઘા વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ થોરી પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. પોતાનો જીવ બચાવવા તેઓ બાવળના ઝાડને પકડીને મદદની રાહ જોઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ઇડર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર ટીમે જોખમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દોરડા અને જરૂરી બચાવ સાધનોની મદદથી ઇશ્વરભાઈ થોરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ટીમની સમયસૂચકતા, કુશળતા અને ઝડપી કામગીરીના કારણે એક કિંમતી જીવ બચાવી શકાયો હતો.

આ રેસ્ક્યૂ કામગીરીમાં ઝાલા રાજેન્દ્રસિંહ સહિત ઇડર ફાયર ટીમના જવાનોએ ભારે જોખમ વચ્ચે પ્રશંસનીય કામગીરી બજાવી હતી, જેને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી.

જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જોખમ ન લેવા અપીલ કરી છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક તંત્ર અથવા ફાયર વિભાગનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!