ગુજરાત

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણ પ્રતિબંધ

૬ ઓગસ્ટથી ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર રોક – નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

જન આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આ પ્રતિબંધ ૬ ઓગસ્ટથી અમલમાં આવશે. સરકારના જણાવ્યા મુજબ લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ લેવામાં આવેલા સેમ્પલ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન દૂધના બદલે વનસ્પતિ તેલ તથા અન્ય બિન-ડેરી ઘટકોનો ઉપયોગ કરીને પનીર જેવા ઉત્પાદનો તૈયાર કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી હતી. આવા ઉત્પાદનો ગ્રાહકોને ભ્રમિત કરે છે તેમજ આરોગ્ય માટે પણ જોખમરૂપ બની શકે છે.

સરકારના આ નિર્ણયથી હવે રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કે વેચાણ કરનાર ઉત્પાદકો, વેપારીઓ અને ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ અસલી ડેરી ઉત્પાદકોને પણ રાહત મળશે અને ગ્રાહકોને ગુણવત્તાસભર તથા શુદ્ધ ડેરી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાનો સરકારનો પ્રયાસ વધુ મજબૂત બનશે.

એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ એટલે શું?
એનાલોગ પનીર, ચીઝ અને બટર એવા ઉત્પાદનો છે જેમાં દૂધમાંથી મળતા કુદરતી ફેટના સ્થાને વનસ્પતિ તેલ, પ્રોસેસ્ડ ફેટ અથવા અન્ય બિન-ડેરી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. દેખાવ અને સ્વાદમાં તે અસલી ડેરી ઉત્પાદનો જેવા લાગતા હોવા છતાં તે પરંપરાગત ડેરી ઉત્પાદનો નથી.

મુખ્ય મુદ્દા:

  • ૬ ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ અમલમાં.
  • ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ રોક.
  • નિયમ ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાર્યવાહી.
  • ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને અસલી ડેરી ઉત્પાદકોના હિત માટે સરકારનું કડક પગલું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!