લૉ કોલેજ, હિંમતનગરના વિદ્યાર્થીઓની જિલ્લા જેલની શૈક્ષણિક મુલાકાત
કેદીઓના જીવન, જેલની સુરક્ષા વ્યવસ્થા અને કાનૂની અધિકારો અંગે અપાયું માર્ગદર્શન

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર દ્વારા શુક્રવારના રોજ જિલ્લા જેલ, હિંમતનગર ખાતે એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળી રહે અને ફોજદારી ન્યાય વ્યવસ્થાની કાર્યપદ્ધતિની સમજ કેળવાય તે હેતુસર આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક કાર્યક્રમમાં કોલેજના 42 વિદ્યાર્થીઓ તથા 5 પ્રોફેસરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેલ અધિકારી શ્રી જે.જી.ચાવડા સાહેબે વિદ્યાર્થીઓને જેલની આંતરિક કામગીરી, ત્યાંની સુરક્ષા વ્યવસ્થા, કેદીઓનું રોજિંદું જીવન તેમજ તેમને મળતા કાનૂની અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને જેલના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લેવાની પણ તક પ્રાપ્ત થઈ હતી, જેના દ્વારા તેમને પુસ્તકિયા જ્ઞાનની સાથે-સાથે વ્યવહારુ સમજ પણ મળી.
આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગરના સેક્રેટરી જજ શ્રી સી.પી.ચારણ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના એક ભાગરૂપે સેક્રેટરી જજ શ્રી સી.પી.ચારણ સાહેબ, જેલ અધિકારી શ્રી જે.જી.ચાવડા સાહેબ તથા લૉ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા જેલ પરિસરમાં વૃક્ષારોપણની ઉમદા કામગીરી પણ કરવામાં આવી હતી, જેનાથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ પ્રસર્યો હતો.
કોલેજના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




