હિંમતનગરના ચાંપલાનારમાં યુવક પર હુમલો: ભાજપના હોદ્દેદાર સહિત ત્રણ સામે ગુનો દાખલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ચાંપલાનાર ગામમાં ૧૮ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે. ગામના રહીશ હરીશકુમાર નટવરભાઈ વાલ્મીકિ પર ગામમાં બાઇક લઈને જતી વખતે ત્રણેય શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
પીડિત હરીશકુમારના જણાવ્યા અનુસાર, તેઓ રાત્રે આશરે ૯ વાગ્યાના સુમારે પોતાના કામ અર્થે બાઇક લઈને નીકળ્યા હતા. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગામના ડેપ્યુટી સરપંચ કમલેશ બારોટ, ભાવિક બારોટ અને સંજયસિંહ મકવાણાએ તેમને રોકીને બોલાચાલી કરી હતી. “તું ગામમાં કેમ ફરે છે?” અને “ખોટી ફરિયાદો કેમ કરે છે?” તેમ કહીને તેમની સાથે જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.
હુમલા દરમિયાન પીડિતને મોઢાના ભાગે અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ બંદોબસ્ત અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને ૧૦૮ મારફતે પીડિતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના સંદર્ભે પીડિત દ્વારા સ્થાનિક પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ગુનો (FIR) નોંધાવવામાં આવ્યો છે. પીડિત હરીશકુમારે જિલ્લા એસપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.




