ઇડર

સાબરકાંઠા: વડાલીના વાસણા (અસાઈ) ગામે મૈત્રી કરાર અને પ્રેમલગ્ન મામલે પોલીસ મથકે હોબાળો; યુવતીએ વીડિયો વાયરલ કરી સ્પષ્ટતા કરી

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાસણા (અસાઈ) ગામની એક યુવતીના મૈત્રી કરાર અને પ્રેમલગ્નને લઈને વિવાદ સર્જાયો છે. આ મામલે યુવતીના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા વડાલી પોલીસ મથકે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ યુવતીએ વીડિયો વાયરલ કરીને પોતાની સ્વેચ્છાએ ઘર છોડ્યાનું અને અપહરણ ન થયાનું જણાવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો અનુસાર, વાસણા (અસાઈ) ગામની યુવતી વિધિબેન દશરથભાઈ પટેલે અક્ષર નામના યુવક સાથે મૈત્રી કરાર અને પ્રેમલગ્ન કર્યા છે. આ બાબતની જાણ થતાં જ યુવતીના પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા. યુવકના સ્વજનો સામે હેરાનગતિના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને પરિવારજનો દ્વારા યુવક પક્ષ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.

પોલીસ મથકે મહિલાઓનો ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર

આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી મહિલાઓએ વડાલી પોલીસ મથક ખાતે છાજિયાં લઈને ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પોલીસ સ્ટેશન પરિસર “ન્યાય આપો, નહીં તો ખુરશી ખાલી કરો” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. બંને પક્ષો તરફથી થઈ રહેલી ફરિયાદો અને આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.

યુવતીએ વીડિયો વાયરલ કરી અટકાવી અટકળો

વિવાદ વકરી રહ્યો હતો તે દરમિયાન જ મૈત્રી કરાર કરનાર યુવતી વિધિબેને એક વીડિયો વાયરલ કરીને સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરી છે. વીડિયોમાં યુવતીએ દાવો કર્યો છે કે તેઓ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાજી ખુશીથી ઘર છોડીને ગયા હતા. તેનું કોઈપણ પ્રકારનું અપહરણ કે કિડનેપ કરવામાં આવ્યું નથી, અને તેમના પરિવાર દ્વારા કરાયેલી એફ.આઈ.આર. ખોટી છે.

વધુમાં, તેઓ ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ હિંમતનગર ખાતે હાજર થઈને પોતાનું નિવેદન પણ આપી ચૂક્યા છે અને તે અક્ષર સાથે ખુશ રહેવા માંગે છે. હાલ તો બંને પક્ષોની રજૂઆતો અને પોલીસ મથક સમક્ષ થયેલા દેખાવો બાદ વડાલી પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!