હિમતનગર

સાબરકાંઠામાં શ્રાવણમાસ નિમિત્તે શિવમંદિરોમાં પૂજન અર્ચન સાથે મંદિરો ગૂંજ્યા સોમવારે હિંમતનગરના ઝરણેશ્વર મંદિરમાં સંતવાણી યોજાશે

સાબરકાંઠા જિલ્લામાં શુ્ક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે પ્રથમ દિવસે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય ઠેકાણે આવેલા શિવમંદિરોમાં ભક્તિમય માહોલ શરૂ થયો હતો અનેક શિવભક્તોએ મંદિરોમાં પહોંચી ભગવાન શિવજીને જળાભિષેક કરી બિલીપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી.
શ્રાવણ માસ નિમિત્તે શુક્રવારે હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા ઝરણેશ્વર મહાદેવ અને સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે વહેલી પરોઢથી જ ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી પડયા હતા. ભક્તોએ વિવિધ દ્રવ્યોનો અભિષેક કર્યા બાદ ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે ભગવાન ભોળાનાથને બિલીપત્ર અર્પણ કર્યા હતા, ભોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બ્રાહ્મણો દ્વારા યજમાનોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક પૂજાઓનો પ્રારંભ થયો હતો. ઉપરાંત બ્રાહ્મણો દ્વારા પાર્થેશ્વર પૂજાની શરૂઆત કરાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે મંદિરોમાં ગુંજતા મંત્રોચ્ચાર અને ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.
હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે પણ શુક્રવારથી હિંડોળાની શરૂઆત થઈ છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન કૃષ્ણના હિંડોળાને વિવિધ ચીજવસ્તુઓથી શણગારવામાં આવશે. શ્રાવણ માસના પ્રારંભ અગાઉ ગુરૂવારે હિંડોળાને આસોપાલવથી શણગારવામાં આવ્યો હતો. ગોકુલેશ્વરના શિવાલયમાં પણ શ્રાવણ માસ નિમિત્તે અવનવા ધાર્મિક મહોત્સવ યોજાશે જેમાં શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે ભગવાન ભોળાનાથને દિવ્ય અને મનમોહક સોમેશ્વર શણગાર ધરાવાશે.
શ્રાવણ સુદ આઠમથી લઈને રક્ષાબંધન સુધી ભગવાનને રંગબેરંગી ફૂલો અને ઝૂલાથી સજાવીને હિંડોળા મનોરથના દર્શન કરાવાશે. આગામી તા. ૦૭ સપ્ટેમ્બરના રોજ શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવશે. તા.૯ સપ્ટેમ્બરે મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્ર યોજાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!