હિમતનગર

સાબરડેરીની સાધારણ સભામાં મીડિયા પ્રવેશબંધી, પશુપાલકોમાં ભારે રોષ

સાબરકાંઠા: જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી ફરી એકવાર વિવાદના વટોળમાં ઘેરાઈ છે. ડેરીની વાર્ષિક સાધારણ સભા (AGM) દરમિયાન ચોંકાવનારો નિર્ણય લેતાં નિયામક મંડળે મીડિયાના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. મુખ્ય ગેટ પર જ સિક્યુરિટી સ્ટાફ તૈનાત કરી પત્રકારોને અંદર જતા અટકાવવામાં આવતાં દૂધ ઉત્પાદકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે, અને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

ભ્રષ્ટાચાર અને ભાવફેરના આક્ષેપો વચ્ચે ઢાંકપિછોડાનો પ્રયાસ?

છેલ્લા કેટલાક સમયથી સાબરડેરીના અનેક પશુપાલકો સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા ડેરીના વહીવટમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને દૂધના ભાવફેરમાં થતી અન્યાયી નીતિ સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે મહેનતનું યોગ્ય વળતર આપવાના બદલે વહીવટદારો પોતાના હિતો સાચવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સાધારણ સભામાં જાહેર હિસાબો રજૂ થવાના હતા, ત્યારે જ મીડિયાને દૂર રાખવાનો નિર્ણય શંકાના ઘેરામાં આવ્યો છે.

વિરોધ સપાટી પર ન આવે તે માટે ઘડાઈ વ્યૂહરચના?

ભાવફેરમાં વિસંગતતા અને સત્તાધીશોની મનમાનીને લીધે સાબરડેરી છેલ્લા ઘણા વર્ષોથી સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાધારણ સભા દરમિયાન પશુપાલકો દ્વારા હોબાળો થવાની અથવા તીખી રજૂઆતો સામે આવવાની પૂરેપૂરી શક્યતા હતી. આ વિરોધ અને વિવાદ જાહેરમાં ન આવે તેમજ કેમેરામાં કેદ ન થાય તે માટે નિયામક મંડળે આયોજનપૂર્વક મીડિયા પર બંધી ફેરવી હોવાની પ્રબળ ચર્ચાઓ જાગી છે.

સાધારણ સભા જેવા મહત્ત્વના મંચ પરથી મીડિયાને દૂર રાખીને સત્તાધીશો શું છુપાવવા માગે છે? તેવા સવાલો સાથે પશુપાલકોમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!