પ્રાંતિજ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
રૂ.58,300ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો, બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા

પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે બાલીસણા ગામની સીમમાં રહેતા રમેશસિંહ સરદારસિંહ મકવાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે આરોપીના કબજામાંથી ગાંજો વજન 1 કિલો 96 ગ્રામ, કિંમત રૂ.54,800નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત એક મોબાઇલ ફોન રૂ.3,000, વજન કાંટો રૂ.500 તેમજ પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.58,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે બાલીસણા ગામની સીમમાં રહેતા રમેશસિંહ સરદારસિંહ મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે અશોક અને અસલમ, બંને રહે. અંકલેશ્વર, ભરુચ, સામે પ્રાથમિક વિગતોના આધારે કાર્યવાહી હાથ ધરી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 20(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




