સાબરકાંઠા જિલ્લા જેલમાં ભાવુક માહોલમાં રક્ષાબંધનની ઉજવણી: બહેનોએ જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધી

સાબરકાંઠા જિલ્લા જેલમાં આજે ભાઈ-બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધનની હર્ષોલ્લાસ અને લાગણીસભર વાતાવરણમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે સવારથી જ મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં આવી પહોંચી હતી.
પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસન દ્વારા મુલાકાતી બહેનો અને કેદી ભાઈઓના મિલન માટે ખાસ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બહેનોએ પોતાના ભાઈઓના કાંડે પ્રેમ અને રક્ષણનું પ્રતીક એવી રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું. લાંબા સમય બાદ એકબીજાને મળતા ભાઈ-બહેનો વચ્ચે લાગણીઓ છલકાઈ હતી અને અનેક બહેનોની આંખોમાં ખુશી સાથે ભાવુકતાના આંસુ જોવા મળ્યા હતા. કેદી ભાઈઓએ પણ બહેનોના સુખી જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
જિલ્લા જેલ અધિક્ષક જે.જી. ચાવડા અને તલોદના મુલાકાતી જાનકી લેઉવા સહિત બહેનોએ જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલી માનવીય વ્યવસ્થા પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુના અને સજાની વચ્ચે પણ પરિવાર પ્રત્યેનો પ્રેમ અકબંધ રહે તેવો આ માનવીય અભિગમ કેદીઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.




